સમગ્ર દાદરાનગર હવેલીમાં હાલ ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં નટુ પટેલ અને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દાદરાનગર હવેલીના સેલવાસ નગરપાલિકા વિસ્તાર સહિત ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે ભાજપના ઉમેદવાર નટુ પટેલ દ્વારા પોતાનો ચૂંટણી પ્રચાર કરી મતદારોને આ વિસ્તારમાં થયેલા વિકાસના કામોની રૂપરેખા આપવામાં આવી રહી છે. આ સાથે જ દેશને વધુ મજબૂત બનાવવા અને નટુને મત આપી વિજેતા બનાવવા મતદારોને અપીલ કરવામાં આવી હતી.
ચૂંટણી પ્રચાર દરમિયાન રૅલી પણ યોજાઈ હતી. જેમાં વાહનો પર લાઉડ સ્પીકર અને ડીજેના સથવારે ભાજપ દ્વારા સંગીત પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ નટુભાઇ અને ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ પોતાનું શક્તિ પ્રદર્શન પણ બતાવી રહ્યા છે.
દાદરાનગર હવેલીમાં દરેક વિસ્તારમાં માત્ર કમળ જ હોય તે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને જનકલ્યાણકારી યોજનાઓ સાથે પ્રદેશની અન્ય યોજનાઓ પ્રદેશનો વિકાસ વગેરેના લેખાજોખ લોકો સમક્ષ રખાઈ રહ્યા છે. માંદોની-સીંદોની ખાતે યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ જોતા દાદરાનગર હવેલીમાં ફરીવાર કમળ ખીલીશે તેવો આશાવાદ નટુભાઈએ વ્યક્ત કર્યો હતો.
રવિવારે મોડી સાંજે માંદોની-સીંદોની ખાતે યોજાયેલા ચૂંટણી પ્રચાર દરમિયાન સાંસદ નટુ પટેલ સાથે સીતારામ ગવળી, હીરા પટેલ, રાકેશસિંહ ચૌહાણ સહિત માંદોની-સીંદોનીના પ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.