રાજ્યમાં ગત ચૂંટણીમાં વિક્રમી એવું 63.6 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપને ફાળે ગઇ હતી. 2009ની ચૂંટણીમાં ગુજરાતમાં માત્ર 47.9 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ભાજપને 15 જ્યારે કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. આ વખતની લોકસભા ચૂંટણીમાં ઊંચુ મતદાન શાસકપક્ષ ભાજપ માટે ચિંતા ઊભી કરી શકે તેમ છે. રાજ્યના કુલ શહેરી મતદાતાઓ 43 ટકાની આસપાસ છે, જ્યારે 57 ટકા મતદાતાઓ ગ્રામીણ વિસ્તારોમાં છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રાષ્ટ્રવાદ કરતાં પાણીની અછત, કૃષિલક્ષી પ્રશ્નો, બેરોજગારી, જમીન સંપાદન જેવા મુદ્દાઓ વધુ પ્રસ્તુત છે.

વાત કરીએ મતદાનના ઈતિહાસની તો વર્ષ 1967માં ગુજરાતમાં સૌથી ઊંચું 63.67 મતદાન થયું હતું, જ્યારે 1996માં સૌથી ઓછું 35.92 ટકા મતદાન થયું હતું. આ વખતે સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં નોંધાયું હતું. વલસાડ બેઠક પર 74.09 ટકા મતદાન થયું હતું, જ્યારે અમરેલી બેઠક પર 55.74 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં ગત ચૂંટણીના મતદાન અને પરિણામ એક નજર કરીએ તો 2014માં કુલ 63.66 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ભાજપને 46.5 ટકા અને કોંગ્રેસને 43.3 ટકા મત મળ્યાં હતાં. જ્યારે 2009ની લોકસભા ચૂંટણીમાં કુલ 47.9 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ભાજપને 59 ટકા અને કોંગ્રેસને 33 ટકા મત મળ્યાં હતાં.

ગુજરાતની ગત લોકસભા ચૂંટણીઓના પરિણામોની વાત કરીએ તો વર્ષ 2014માં ભાજપને 26 અને કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. જ્યારે 2009માં ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠક મળી હતી. આ ઉપરાંત 2004માં ભાજપને 14 અને કોંગ્રેસને 12 બેઠક મળી હતી.