ચૂંટણી પંચે મંગળવારે એક નિવેદન જાહેર કરી આ અંગે જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં દર વર્ષે જુલાઈથી મધ્ય ઑગસ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલે છે. આ વર્ષે યાત્રાનો સમય 1 જૂલાઈથી 15 ઑગસ્ટ સુધી નિયત કરાયો છે.
નિવેદન મુજબ, 'ચૂંટણીપંચે સંવિધાનના અનુચ્છેદ 324 મુજબ સર્વાનુમતે નિર્ણય કર્યો છે કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી વર્ષના અંતમાં કરવામાં આવશે.'
ચૂંટણી પંચે કહ્યું કે રાજ્યમાં સુરક્ષા-વ્યવસ્થા અને અન્ય સ્થિતિઓ પર ચૂંટણી પંચ દ્વારા નિયમિત નજર રાખ્યા બાદ આ વિશે તમામ પક્ષો પાસેથી શક્ય એટલી માહિતી મેળવવામાં આવી રહી છે.
પંચે કહ્યું કે રાજ્યમાં અમરનાથ યાત્રા પછી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીરમાં પીડીપી-ભાજપ ગઠબંધન સરકાર જુલાઈ 2018માં ભાજપે સમર્થન પાછું ખેંચતા અહીં રાજ્યપાલ શાસન જાહેર કરાયું હતુ. નવી સરકારના રચવાની નહીવત્ શક્યતાઓ પછી રાજ્યપાલની ભલામણના આધારે જમ્મુ કાશ્મીર વિધાનસભાને ભંગ કરી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાયું હતુ.
આ પહેલા અમિત શાહે એ બેઠક કરી, જેમાં જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી અને અમરનાથ યાત્રા અગાઉ સુરક્ષા અને વિકાસ સાથે જોડાયેલા મુદ્દે ચર્ચા કરી હતી.