- રાજકોટમાં લગ્નના ત્રણ મહિનામાં જ પરિણીતાએ કરી આત્મહત્યા
- પરિવારની સંમતિથી બન્નેએ પ્રેમલગ્ન કર્યા હતા
- પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી
રાજકોટ: શહેરમાં ત્રણ મહિના અગાઉ જ લગ્ન થયા બાદ પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. શહેરના જીવરાજ પાર્ક નજીક આવેલા ભારતનગર આવાસ યોજનામાં રહેતી નેહા નિલેશ વાઘેલા નામની પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જેને લઈને તેના પરિવારમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી છે. જોકે નેહના લગ્ન ત્રણ મહિના અગાઉ નિલેશ નામના યુવાન સાથે થયા હતા અને બન્ને એકબીજાને પ્રેમ કરતા હોય પરિવારની સંમતિથી બન્નેએ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના ત્રણ માસના સમયમાં જ પરિણીતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પંખામાં દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી
નેહા અને નિલેશ બન્ને એક મોલમાં સાથે કામ કરતા હતા અને બન્નેને એકબીજા સાથે પ્રેમ થતા તેમને પરિવારની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. જોકે લગ્ન થતાના ત્રણ મહિનામાં જ નેહાએ પોતાના ઘરમાં પંખામાં દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા તે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે નેહાના પિતાએ સાસરીયામાં પતિનો ત્રાસ હોવાનું પોલીસ તપાસમાં જણાવ્યું છે. જ્યારે બીજી તરફ નેહાના પતિ નિલેશે કામ બાબતે ઠપકો આપ્યો હોવાના કારણે આ ઘટના બની હોવાનું પોલીસને જણાવ્યું છે.
પરણીતાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું
નેહાના માતાપિતા પરાપીપળીયા ગામમાં રહે છે. પિતા વિજય લીલાધર બદરકીયાએ દીકરીને પતિનો ત્રાસ હોવાનું પોલીસ તપાસ દરમિયાન જણાવ્યું હતું. જેને લઈને પોલીસે પણ પરણીતાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જોકે પરિણીતાએ આત્મહત્યા કરતા પહેલા કોઈ સ્યુસાઇડ નોટ લખી છે. પોલીસે નેહાએ કોની સાથે આત્મહત્યા કર્યા અગાઉ વાત કરી હતી તે દિશામાં તપાસ હાથધરી છે.