- રાજકોટમાં અપહરણનો એક અલગ જ કિસ્સો સામે આવ્યો
- મિત્ર એ જ 72 લાખની ખંડણી માગી
- છોકરીઓનું અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટ: શહેરમાં અપહરણનો એક અલગ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં અપહરણ કર્યા વગર જ ખંડણીખોરે 72 કરોડ રૂપિયાની ખંડણી માગ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો, ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પારસ મહેન્દ્ર મોણપરા નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. વોટ્સએપ પર કોઈ અજાણ્યા શખ્સનો મેસેજ આવ્યો હતો, જે મેસેજમાં વ્યક્તિએ ધમકી આપી હતી કે જો તું 72 કરોડ નહીં આપે તો તારી ત્રણે દીકરીઓને જાનથી મારી નાંખીશ, તારી ડેનિશા નામની છોકરી અમદાવાદમાં ક્યાં રહે છે તે બધી જ મને ખબર છે. 72 કરોડ રૂપિયા આપી દે નહીં તો તેનું અપહરણ કરીને જાનથી મારી નાખીશ.
કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી હતી
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને બાંધકામનો વ્યવસાય કરતા કિશોર પરસાણા નામના શખ્સે ફરિયાદ નોંધાવી હતી. ખંડણીખોરનો જે મોબાઇલ નંબર ઉપરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. તે મોબાઈલ નંબર બાબતે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તમામ માહિતી એકત્ર કરવામાં આવી હતી. જે મોબાઇલ નંબર ઉપરથી વોટ્સએપ મેસેજ આવ્યો છે, તે મોબાઇલ નંબર રાજસ્થાનનો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાથો સાથ રાજસ્થાનના મોબાઈલ નંબરની કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી હતી, ત્યારે પ્રથમ દ્રષ્ટિએ તેમાંથી કોઈપણ બાબત શંકાસ્પદ લાગી નહોતી.
આરોપીએ મોંઘા શોખ પૂરા કરવા ખંડણી માગી
વોટ્સએપ મેસેજના કારણે ડરી ગયેલા પરસાણા પરિવારે થોડાંક સમય પૂર્વે જ અમદાવાદ ગયેલી પોતાની દીકરીને રાજકોટ પરત બોલાવી લીધી હતી. ખંડણીખોર કોઈ જાણભેદુ હોય તે બાબતની પણ શંકા સેવાઇ રહી હતી. જે બાબતે દિકરી તેમજ તેના પરિવારને પૂછતા દીકરીનો પારસ નામનો જૂનો મિત્ર ભૂતકાળમાં હેરાન- પરેશાન કરતો હોય તે પ્રકારની બાબત પણ પોલીસને જાણવા મળી હતી. જેના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પારસને ઝડપી લેતા તેની આકરી પૂછપરછ કરી હતી. આરોપી પારસ પોતે કંપનીની મોંઘી કાર, મોંઘા કપડા, મોંઘા ફોન વાપરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પારસ વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાની ટેવ વાળો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે આ પ્રકારે તેને ખંડણી માગી હોવાનું સામે આવ્યું છે.