વાપી: CID સીરિયલમાં ઉકેલતા હત્યાના કેસથી પણ એક ડગલું આગળ વધે તેવા ઇન્વેસ્ટિગેશન સાથે વલસાડ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો(vapi bhilad murder case solved) છે. વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઉમરગામ તાલુકાના કરજગામ ખાતે અજાણ્યા યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મળેલ મૃતદેહ મળી આવ્યો હતો. વલસાડ પોલીસે તેનો ભેદ ઉકેલી હત્યા કરનાર સગીર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. (A friend killed in a brawl during a robbery plan)
ફોટોના આધારે ઓળખ: 21મી નવેમ્બરે કરજગામના વાંજરી ફળીયા, ગુલાબભાઇ વારલીના ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની પ્રાથમિક તપાસમાં તેની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મૃતદેહની ઓળખ સાથે હત્યારાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક 30થી 35 વર્ષનો હતી. તેણે તાજેતરના દિવસમાં જ કોઈ હેર સલૂનમાં વાળ કપાવી ડાય કરાવી હતી. એટલે પોલીસે તે દિશામાં તપાસ કરતા સરીગામના એક વાળંદ પાસે તેમણે વાળ કપાવ્યા હોય તે વાળંદે મૃતક યુવકને ફોટો આધારે ઓળખી બતાવ્યો હતો. જેની પાસે તેનો મોબાઈલ નંબર હતો. અને તેનું નામ દિનેશ પ્રતાપ સિંગ હોવાનું ખુલ્યું હતું. જે સરીગામની હેરંબા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં કામ કરતો હતો અને મૂળ યુપીનો હતો.
ગળું દબાવી હત્યા: પોલીસે તેના મોબાઈલ નંબરને ચેક કરતા તે યુપીમાં હોવાનું જાણવા મળતા પોલીસની એક ટીમ યુપી મોકલી મોબાઈલ લોકેશન પરથી તેની સાથે જ કામ કરતા એક સગીરને ઝડપી લીધો હતો. જેમણે કબુલ્યું હતું કે આ હત્યા તેણે કરી હતી. હત્યાના કારણ અંગે તેમણે ખુલાસો કર્યો હતો કે બંને લૂંટ કરવાનો પ્લાન કરતા હતા. જે અંગે બોલાચાલીમાં તેમણે દિનેશ પ્રતાપ સિંગના માથામાં પથ્થર મારી ગળું દબાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જો કે જતા જતા હત્યારો મૃતકનો મોબાઈલ અને તેના ખિસ્સામાં રહેલ 250 રૂપિયા પણ લેતો ગયો હતો.
હત્યારો યુવક સગીર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તો તે સગીર હોવા છતાં હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં પુખ્ત વયનો હોવાનો ખોટો પુરાવો આપ્યો હતો. પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. જો કે હેર કટિંગ અને હેરડાઈના આધારે પોલીસે યુવકના હત્યારાને ઝડપી CID સીરિયલમાં ઉકેલતા કેસથી પણ વધુ રિયલ પોલીસના ઇન્વેસ્ટિગેશનની અનોખી મિશાલ આપી મહત્વની સફળતા મેળવી છે.