- મહિલા કાઉન્સિલરના ઘર બહાર નાંખ્યો કચરો
- કચરામાં દુર્ગંધ મારતા મૃત પ્રાણીઓના અવશેષો
- મહિલા કાઉન્સિલરે પોલીસ તપાસની કરી માગ
વડોદરા: શહેરના કોંગી મહિલા કાઉન્સિલરના ઘર નજીક દુર્ગંધ મારતા માંસના કચરાનો નિકાલ કરીને પરેશાન કરવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે મહિલા કાઉન્સિલર દ્વારા સ્થાનિક પોલીસ તપાસ કરવા માગ કરાઈ છે. મહિલા કાઉન્સિલરે નશાખોર વ્યક્તિ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
મને પરેશાન કરવા માટેનું કૃત્ય: પુષ્પાબેન વાઘેલા
વર્ષોથી કોંગ્રેસના મહિલા કાઉન્સિલર તરીકે પુષ્પાબેન વાઘેલા સેવા કરે છે. સમગ્ર ઘટના અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હું કૃષ્ણા પેલેસ – 2 ટી.પી. 13 ખાતે રહું છું. આજે સવારે જ્યારે હું ઉઠી ત્યારે દુર્ગંધ મારતું હોવાનું ધ્યાને આવ્યું હતું. તપાસ કરતા ઘર નજીક દુર્ગંધ મારતા પશું અવશેષોનો નિકાલ કરાયા હોવાનું ધ્યાને આવ્યું હતું. રસ્તા પર કુતરા, કાગડા અને ગીધની હાજરી જોવા મળી હતી. જો કે, વાત ધ્યાને આવતા તાત્કાલિક કચરો ઉપાડી લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી વિસ્તારમાં અમારા સુધી પહોંચતા અથવા અમારા ધ્યાને આવતી તમામ સમસ્યાઓનું નિકાલ કરવામાં આવ્યું છે. તેમ છતાં કોઇએ આ પ્રકારે પરેશાન કરવા માટે કૃત્ય કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં જો કોઇ જગ્યાએ ગંદકી કરવામાં આવતી હોય તો તેની જાણ કરવાની હોય. ત્યાર બાદ તેને હટાવવાની કામગીરી થઇ જાય છે. અન્યત્રેથી કચરો ઉપાડીને અહિંયા નાંખવાથી શું ફાયદો થાય. અમારા વિસ્તારના નશાખોર યુવાનો દ્વારા પરેશાન કરવા માટે દુર્ગંધ મારતો કચરો નાંખ્યો હોઈ શકે છે.