- આર્થિક સંકળામણ અને ઘરેલું કંકાસે લીધો વધુ એક ભોગ
- બાજવામાં રહેતાં યુવા વકીલે કરી આત્મહત્યા
- આત્મહત્યા કરતાં પહેલાં યુવાને સ્યૂસાઇડ નોટ લખી
- સ્યૂસાઇડ નોટમાં સાસરિયાઓના ત્રાસનો કર્યો ઉલ્લેખ
વડોદરા: બાજવાના કરચિયા પાસે આવેલી આમ્રપાલી સોસાયટીના મકાન નંબર 24માં શિરિષભાઈ હસમુખભાઈ દરજી રહે છે. વકીલાતનો અભ્યાસ પૂર્ણ કરનારા શિરિષભાઈ હાલમાં ખાનગી કંપનીના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. સોમવારે બપોરે તેમણે પોતાના ઘરમાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જે પહેલા લખેલી અંતિમચિઠ્ઠીમાં ઘરેલું કંકાસ અને સાસરિયાઓના ત્રાસથી તેમણે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાંબા સમયથી દરવાજો ન ખોલતા શંકા ગઈ હતી
સોમવારે બપોરના સમયે શિરિષભાઈએ પોતાના ઘરનો દરવાજો બંધ કરીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, વધુ સમય થયો હોવા છતાં રૂમનો દરવાજો ન ખૂલતા સોસાયટીના રહીશો અને પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. જવાહરનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રૂમ ખોલ્યો હતો. દરવાજો ખોલતા શિરિષભાઈ દરજી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. તેમને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસને તેમની પાસેથી એક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેમણે ઘરેલું કંકાસ અને સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.