- પાલિકા તંત્રના અધિકારીઓ જ ભૂલ્યા કોવિડના નીતિ-નિયમો
- કોરોનાનું પાલન કરાવવા નીકળેલા પાલિકાના અધિકારીઓએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- જાગૃત વેપારીએ વીડિયો ઉતારી વાઇરલ કર્યો
વડોદરા: શહેરમાં દિવસ દરમિયાન પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કરાયેલી સંયુક્ત કાર્યવાહીમાં શહેરના ઈવા મોલ, ઈનઓર્બિટ મોલ, સેન્ટ્રલ મોલ, બંસલ મોલ અને રિલાયન્સ મોલને ત્રણ દિવસ માટે સીલ મારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના પ્રમુખ બજારો પૈકી મંગળ બજારને પણ 3 દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યારે રવિવારે સવારથી જ શહેરમાં પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીની પાછળના ભાગમાં આવેલા ફળફળાદિ માર્કેટના ગોડાઉનો અને દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બધા વચ્ચે પાલિકાના અધિકારીઓ ગાડીમાં બેસી પબ્લિક એનાઉન્સમેન્ટ વડે લોકોને કોરોના ગાઇડલાઇન્સ અંગે જાગૃત તો કરી રહ્યા હતા, પરંતુ તેઓ પોતે બાજુબાજુમાં બેસી 2 ગજની દૂરી પાળવાનું ભૂલ્યા હતા. જેનો વીડિયો એક વેપારીએ ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
એક ગાડીમાં 9 વ્યક્તિઓ સરકારી ગાઈડલાઈન્સનનું પાલન કરાવવા નીકળ્યા
આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, પબ્લિક એનાઉન્સમેન્ટ કરી રહેલા પાલિકાના અધિકારીઓ સહિત એક સીટ પર 4 વ્યક્તિઓ આગળ ડ્રાઇવિંગ સીટના ભાગે 2 વ્યક્તિઓ અને સૌથી અંતમાં બીજા 3 વ્યક્તિઓ એટલે કે, કુલ મળીને એક કારમાં 9 વ્યક્તિઓ વેપારીઓને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપી રહ્યા છે, પણ એક વેપારીએ કારમાં બેઠેલા અધિકારીને તેમના સોશીયલ ડિસ્ટન્સ વિશે પૂછતા ગાડી ત્યાંથી રવાના થઈ ગઇ હતી.
જો કે આ વીડિયોની પુષ્ટિ ઈટીવી ભારત કરતું નથી.