- વડોદરા મનપાની દાદાગીરીનો વિરોધ કરતાં હાથીખાના માર્કેટના વેપારીઓ
- લોકડાઉનની દહેશતને પગલે હાથીખાના બજારમાં ભીડ
- વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ વેપારીઓ સાથે કરી દાદાગીરી
વડોદરાઃ કોરોનાનો કહેર વધતાં હાઇકોર્ટના સૂચન બાદ સરકારે આજથી રાત્રિ કર્ફ્યુનો સમય વધારી દીધો છે. જેને લઇને મોલ અને માર્કેટમાં ખરીદી કરવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. આજે સવારે શહેરના સૌથી જૂના અને મોટા હાથીખાના માર્કેટમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યાં હતાં. દરમિયાન કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવતી ટીમ હાથીખાના પર ચેકિંગ માટે પહોંચી હતી અને વેપારીઓ પર દાદાગીરી કરતા મામલો બીચક્યો હતો. જેને પગલે વેપારી એસો. દ્વારા બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં SVP કે અન્ય હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર નથી,શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ
લોકડાઉન થવાના ભયથી ખરીદી માટે ઉમટી ભીડ
લોકોમાં લોકડાઉન લાગુ કરાશે તેવો ભય છે. આજે સવારે મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે લોકો આવી પહોંચ્યા હતાંં. દરમિયાન પાલિકાની ટીમો પણ કોવિડ ગાઇડલાઇનના ચેકિંગ માટે આવી હતી. એકાએક મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે હાથીખાના માર્કેટમાં આવે તેમાં વેપારીઓનો શું વાંક ? પાલિકાની ટીમ દ્વારા લોકોની ભીડ ભેગી થવા બદલ વેપારીઓ સાથે દાદાગીરી અને ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને રૂ. 2,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેનો હાથીખાનાના તમામ વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે. પાલિકામાં સંબંધિત અધિકારી સાથે વાત કરતાં તેમણે રૂ.1,000ના દંડનું પ્રાવધાન હોવાનું જણાવ્યું હતું. વેપારીઓ સાથે થયેલા વર્તનને કારણે હાથીખાના માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી વેપારીઓ પાસેથી વસૂલવામાં આવેલા દંડના પૈસા પરત કરવામાં નહીં આવે અને દાદાગીરી કરનાર પાલિકાના કર્મી માફી નહીં માંગે ત્યાં સુધી બંધ પાળવામાં આવશે.
આ પણ વાંચોઃ વડોદરા ખરીદી કરવા આવેલા કોરોના દર્દીનો જીવ દુકાનદારે બચાવ્યો