રાજવી પરિવારના શસ્ત્રાગારમાં ઈ.સ. 1720થી લઈને આજ દિવસ સુધીના શસ્ત્રો હાજર છે. જેમાં તલવાર, ઢાલ, બખ્તર, ભાલા, ગુરજ અને અલગ અલગ પ્રકારની બંદુકોનો સમાવેશ થાય છે. ગાયકવાડી સૈન્ય જ્યારે વડોદરા સ્ટેટની સુરક્ષા કરતું હતું, ત્યારે વડોદરામાં શસ્ત્રો બનાવવા માટેનું અલાયદુ કારખાનુ હતુ, પરંતુ અંગ્રેજોના શાસન દરમિયાન વડોદરા સ્ટેટમાં સૈન્ય અને શસ્ત્રોની બોલબાલા ઘટતી ગઈ હતી. મહારાજા પ્રતાપસિંહ રાવે વર્ષ 1941માં શસ્ત્રાગાર ઉભો કરવાની યોજના બનાવી હતી. જેથી ગાયકવાડી શાસનકાળમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો કાયમ માટે સચવાઈ શકે.
શસ્ત્રો અંગેની ઝીણાંમાં ઝીણી જાણકારી ધરાવતા અને જેમના નામ પર વડોદરામાં અખાડો છે તેવા પ્રોફેસર માણેકરાવે ક્યા શસ્ત્રોને શસ્ત્રાગારમાં મુકવા સાથે તેનું કામ હાથ પર લીધું હતું. શસ્ત્રાગારનું કેટલોગ બનાવતા 2 થી 3 વર્ષનો સમય લાગ્યો હતો. જેથી શસ્ત્રાગારમાં 60 થી 70 પ્રકારની તલવારો, 20 થી 30 જાતની અલગ અલગ બંદુકો, 10 થી 12 પ્રકારની ઢાલ અને રોમન શૈલીના બખ્તરોનો પણ સમાવેશ થાય છે. શસ્ત્રાગારમાં વડોદરાના દિર્ઘદ્રષ્ટારાજવી મહારાજા સયાજીરાવના દત્તક વિધાન વખતે ક્વીન વીક્ટોરીયા દ્વારા મોકલવામાં આવેલી તલવાર, મહારાજા પ્રતાપસિંહની ફેવરીટ સકેલા તલવાર પણ સચવાઈ છે.
માહિતી પ્રમાણે, એક સકેલા તલવારને બનતા 7 વર્ષનો સમય લાગતો હતો. વડોદરામાં ખારીવાવના પાણીના ઉપયોગથી તલવારને ધારદાર બનાવાતી હતી. શસ્ત્રાગારમાં સચવાલેયું સાંગ નામનું હથિયાર 500 વર્ષ જૂનું છે. ભાલા જેવું લાંબુ સાંગ ઘોડા પર બેસીને યુધ્ધ કરવા માટે વપરાતું હતું. આ હથિયાર છત્રપતિ શીવાજીના વંશના શાહુજી મહારાજ દ્વારા રાજવી પરિવારને ભેટમાં અપાયું હતું. શસ્ત્રાગારમાં સૌથી ખતરનાક વોટર સ્ટીલ તલવારોનો પણ સમાવેશ થયો છે. તલવારને તપાવીને બાદમાં તેને ઠંડી પાડવા માટે ઝેર યુક્ત પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી તલવારના સ્ટીલમાં ઝેર પણ સામેલ થઈ જતું હતું. શસ્ત્રાગારમાં સચવાયેલી કેટલીક તલવારોની મૂઠ હાથીદાંતની છે અને તેના પર હીરા પણ જડેલા છે. જે પૈકીના કેટલાક શસ્ત્રોનું ગાયકવાડ પરિવાર દ્વારા શાસ્ત્રોક વિધિથી પૂજા કરવામાં આવી હતી.