વડોદરાઃ એસઓજી પોલીસ મથકની ટીમને બાતમી મળી કે, ડુપ્લિકેટ એન્જિન ઓઇલના કાર્ટુન ભરેલો એક ટેમ્પો ડભોઇ રોડ થઇને કપુરાઈ ચોકડી તરફ જઈ રહ્યો છે. જેથી પોલીસે ડભોઇ રોડ ગણેશ નગર ખાતે બપોરના સુમારે વોચ ગોઠવી ટેમ્પા ચાલક વસીમ સલીમ ફકીરને પકડી લઈ ટેમ્પામાં તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડેડ કંપનીના નામના ડુપ્લિકેટ એન્જિન ઓઇલનાં 90 કાર્ટુન મળી આવ્યાં હતાં.
પોલીસે ટેમ્પો અને ડુપ્લિકેટ એન્જિન ઓઇલ મળી 14,97,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેની પૂછપરછ કરતાં તેણે ઘટસ્ફોટ કર્યો કે, નુસરત મહેંદી ઉર્ફ નવસાદ ભોજાવાલા ડભોઇ રોડના માણેક એસ્ટેટમાં ગોડાઉન રાખીને ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવવાની ફેક્ટરી ચલાવે છે. તેના માણસ શબ્બીર શેખે આ એન્જિન ઓઇલના કાર્ટુન ભરીને આપ્યાં હતાં અને સેલંબાની ઓટો પાર્ટ્સની દુકાન ચલાવતા કલ્પેશ વિમલચંદ જૈનની દુકાને આપવાનાં હતા, જેથી પોલીસે ડભોઇ રોડના માણેક એસ્ટેટના ગોડાઉન ખાતે રેડ કરતાં નુસરત મહેંદી અને તેનો સાગરીત શબ્બીર સુલતાન શેખ ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવવાની ફેક્ટરી સાથે ઝડપાઈ ગયા હતા.
પોલીસે ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપનીઓના નામના એન્જિન ઓઇલના કાર્ટુન, સ્ટીકર્સ સહિત 31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેયની અટકાયત કરી હતી.