વડોદરા: લોકનાયક, પ્રખર સમાજવાદી અને રાજનેતા જયપ્રકાશ નારાયણની 11 ઓક્ટોબરના રોજ જન્મજયંતિ હતી. તેમનો જન્મ 1902ની 11મી ઓક્ટોબરના રોજ બિહારના છપ્રા જિલ્લામાં થયો હતો. પટનામાં જયપ્રકાશ નારાયણ કોલેજીયટ સ્કૂલમાં દાખલ થયા તે વખતે બિહારમાં સૌથી સારી શાળા ગણાતી હતી. તેઓ ખૂબ તેજસ્વી હતા. હાઈસ્કૂલમાં પણ પહેલા પાંચ - દસ વિદ્યાર્થીઓમાં તેમની ગણના થતી હતી.
સંસ્કૃત ,હિન્દી,અને અંગ્રેજી પર તેમનું પ્રભુત્વ હતું. 1921માં 19 વર્ષની વયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસહયોગ આંદોલનમાં તેમને ઝંપલાવ્યું હતું. તે તેમની સૌથી મોટી નિર્ણાયક ઘટના હતી. સ્વરાજ્યની લડતની દીક્ષા પામી પોતાનું જીવન દેશસેવા અને માનવ સેવામાં સમર્પિત કરનાર પ્રખર સમાજવાદી રાજનેતા અને લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મ જયંતી નિમિત્તે શહેરના ચકલી સર્કલ પાસે તેમની પ્રતિમા પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ તકે મેયર ડો,જીગીષાબેન શેઠ, પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, મ્યુ.કમિશ્નર સ્વરૂપપી સહિતના પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓએ લોકનાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.