વડોદરાઃ થોડા સમય પહેલા 21.80 લાખની છેતરપિંડીમાં બગલામુખી મંદિરનો પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાય હાલ 4 દિવસના પોલીસરિમાન્ડ ઉપર છે. આ દરમિયાન પ્રશાંત ઉપાધ્યાયને લોકઅપમાં વીઆઇપી ટ્રીટમેન્ટ મળી રહી હોવાનું સામે આવ્યું છે. પાખંડી પ્રશાંતને તેની મહિલા અનુયાયીઓ પોલીસ સ્ટેશનમાં બેરોકટોક જમવાનુ અને ઠંડા પીણા આપી રહી છે. જોકે મીડિયાકર્મીઓએ આ અંગેસવાલ પૂછતા પોલીસે મહિલા અનુયાયીને ખખડાવી હતી.
બુધવારના રોજ વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ સ્થિત દયાનંદ સોસાયટી ખાતેના પ્રશાંત ઉપાધ્યાયના મકાન નંબર 7 અને 8ના ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરીમાં બંગલામાં રખાયેલા બે કાચબા, પહાડી પોપટ અને કબૂતર મળી આવતાં તાંત્રિકવિધીની આશંકા સેવાઇ રહી છે. વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા બંગલાના મુખી અને મંદિરના પાખંડી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાયે તેમના નિકટના ભક્ત સાથે રૂપિયા 21.80 લાખની છેતરપિંડી કર્યાં બાદ તેના એક પછી એક કરતુતો બહાર આવી રહ્યી છે.
આ સાથે પાખંડી સામે કડક કાર્યવાહી કરવા માટે સરકારી વિભાગો પણ એકશનમાં આવી ગયું છે. જેના ભાગરૂપે પાલિકાની દબાણ શાખાએ પાખંડીના વાસણા ભાયલી રોડ પર દયાનંદ સોસાયટીમાં આવેલા બંગલાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. હાલ, તો 4 દિવસના રિમાન્ડ હેઠળ રખાયેલા ઠગ ગુરુ પ્રશાંતને વીઆઇપી ટ્રીટમેન્ટ મળી રહી હોવાનું સામે આવ્યું છે. જેને લઈ વારસિયા પોલીસ સામે અનેક સવાલો ઉઠ્યા છે.