- વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને મોડી રાત્રે લવાયો વડોદરા
- જૂનાગઢથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં લવાયો રાજુ ભટ્ટ
- ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને જૂનાગઢ પોલીસે મિશન પાર પાડ્યું
- દુષ્કર્મ કેસનો આરોપી અશોક જૈન હજી પોલીસ પકડથી દૂર
વડોદરાઃ છેલ્લાં એક અઠવાડિયા કરતાં વધુ સમયથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી રહેલા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ (Rape) કેસમાં સંડોવાયેલા રાજુ ભટ્ટની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડી રાત્રે રાજુ ભટ્ટને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા હવે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજુ ભટ્ટના પરિવારના સભ્યોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
19 સપ્ટેમ્બરે ફરિયાદ થયા બાદ નાસતો ફરતો હતો રાજુ ભટ્ટ
ગત તા. 19 સપ્ટેમ્બરના રોજ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પીડિતાએ અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની (Rape) ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ત્યાં બીજીતરફ બન્ને આરોપીઓ ફરાર થઇ ગયાં હતાં. સ્થાનિક પોલીસને તપાસ દરમિયાન બંનેની ભાળ મેળવવામાં કોઇ સફળતા મળી ન હતી.
તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ
આખરે સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચની સોંપાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચને (Vadodara Crime Branch) તપાસ સોંપાતા અશોક જૈન અને રાજુ ભટ્ટને ઝડપી પાડવા સાત જેટલી ટીમો કામે લગાડવામાં આવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજુ ભટ્ટની હાજરી સૌરાષ્ટ્ર ખાતેના અમરેલી- જૂનાગઢમાં છે. જેથી સ્થાનિક પોલીસને સાથે રાખી ઓપરેશન પાર પાડી ગઈકાલે જૂનાગઢથી રાજુ ભટ્ટની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.
બીજા આરોપી અશોક જૈનને પણ ઝડપી લેવાશેઃ એસીપી ક્રાઈમ
છેલ્લા સાત દિવસથી ફરાર રાજુ ભટ્ટ અને અશોક જૈન પૈકી એકની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અશોક જૈનને પણ નજીકના દિવસોમાં ઝડપી લેવામાં આવશે તેમ એસીપી ક્રાઇમ ડી.એસ. ચૌહાણે (Vadodara Crime Branch) જણાવ્યું છે. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું છે કે, રાજુ ભટ્ટની સાથે તેમના પરિવારના તમામ સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી ઝડપાયો
આ પણ વાંચોઃ વડોદરા પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી સેક્રેટરી અને તેમના મિત્ર સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ