- 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના રસીકરણનો પ્રારંભ
- જિલ્લા કલેક્ટરે કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
- પુષ્પગુચ્છ આપી રસી મૂકાવા આવેલા નાગરીકોનુ અભિવાદન કર્યું
- મેં રસી મૂકાવી છે તમે પણ રસી મૂકાવજો : કલેક્ટર શાલિની અગ્રવાલ
વડોદરા: શહેર અને જિલ્લામાં કોરોનાંનો આતંક વધવા માંડ્યો છે, ત્યારે તંત્ર દ્વારા રસીકરણ કરવાની કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. આજે શુક્રવારથી 45 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ નાગરિકોને જણાવ્યું કે મેં પણ રસી લીધી છે તમે પણ રસી મૂકાવજો અને તમારી નજીકના લોકોને પણ રસી મૂકાવવા માટે પ્રેરિત કરજો. જેથી સમગ્ર દેશ આ મહામારીમાંથી બહાર આવી શકે.
આ પણ વાંચો : કોરોનાના બીજા તબક્કાના રસીકરણનો પ્રારંભ, જાણો કઇ રીતે થાય છે નોંધણી
45થી વધુ ઉંમરના લોકો જોડે સહજ રીતે સંવાદ સાધી તેમના આરોગ્યની પૃચ્છા કરી
કલેક્ટર શાલિની અગ્રવાલે રસી મૂકાવવા માટે આવેલા વરિષ્ઠ નાગરિકો, ફ્રન્ટલાઈન વોરિયર્સ, કો મોર્બિડ અને 45 થી વધુ ઉંમરના લોકો જોડે સહજ રીતે સંવાદ સાધી તેમની તેમના આરોગ્યની પૃચ્છા કરી હતી.ઉપરાંત કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર-આરોગ્ય કર્મીઓની કામગીરી બિરદાવી હતી.સાથે જ રસીકરણની કામગીરી વધુ સઘન બનાવવા માટે જણાવ્યું હતું. કલેક્ટર શાલિની અગ્રવાલની કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત વેળાએ પ્રાંત અધિકારી ઠુંમર, મામલતદાર ગોસાંઈ, ડો.ઉદય ટીલાવત, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નીરજ દેસાઈ, મેડિકલ ઓફિસર ડો.જિતેન રાણા, તાલુકા પંચાયતના સદસ્ય જ્યોત્સનાબેન છત્રસિંહ પરમાર, ઉપસરપંચ છત્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.