- વડોદરાની દિકરી પહોંચી હિમાલયના ખોળે
- રસીકરણ અંગે જાગૃતતા માટે હિમાયનો સાઈકલ પ્રવાસ
- નિશાકુમારીની એવરેસ્ટ સર કરવાનું છે સ્વપ્ન
વડોદરા: કોરોના મહામારીમાં રસી એક માત્ર કારગર હથિયાર છે. દેશમાં મોટી માત્રામાં લોકો કોરોનાની રસી લઈ રહ્યા છે છતા પણ દેશના કેટલાક ભાગમાં રસીને લઈને ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે જેને દૂર કરવા માટે વડોદરા શહેરની નિશાકુમારીના નેતૃત્વ હેઠળ 13 સાહસિક યુવાનોએ હિમાલયમાં સાઈકલ દ્વારા પ્રવાસ કર્યો હતો અને લોકોને રસી લેવા માટે અપીલ કરી હતી.
50 ફૂટનો વિરાટ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
નિશાકુમારી અને તેના સાથીઓ એ લેહમાં 50 ફૂટનો વિરાટ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.યાત્રા માર્ગમાં આવતા તમામ ગામોમાં કોરોના સામે સુરક્ષા માટે રસીની અગત્યતા લોકોને સમજાવવાની સાથે રસીકરણ સમર્થન સહી ઝુંબેશ કરી હતી. લેહથી ખરદુંગ્લાથી પરત લેહની કપરી સાયકલ યાત્રા આ દીકરીએ એકલા કરી હિંમતનો દાખલો બેસાડ્યો હતો.

પ્રસાશને કરી મદદ
તા.21 મી જૂનના રોજ રસીકરણને વેગ આપવા સાયકલ પર હિમાલય ખુંદવાની આ સાહસ યાત્રાને ત્યાંના એસ.ડી.એમ. રમણ ઘરસંગરી એ પ્રસ્થાન કરાવ્યું હતું. 30મી જૂને નિશા ખરદુંગ્લા થી પરત ફરી અને તેની સાથે આ સાહસ અભિયાન નું સમાપન થયું હતું સમગ્ર યાત્રા દરમિયાન પોલીસ,પ્રશાસન અને બોર્ડર હેલ્થ ટીમે આ યાત્રીઓને જરૂરી સવલતો આપીને પ્રોત્સાહિત કરી હતી.
લોકોએ ઉત્સાહભેર કર્યુ સ્વાગત
આ ટીમે રસી અભિયાનને વેગ આપવા મનાલી, મહરી,તાંડી, જીપસા,ઝિંઝિંગ બાર,સાર્ચું,વિસ્કી નાલા,સોકર, લટો અને લેહ ની મુલાકાત લીધી હતી.દરેક સ્થળે લોકોએ આ રસીકરણનો સંદેશ લઈને આવેલા સાહસિકો ને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. લેહમાં એડીએમએ આ ટીમને અંતિયાળ વિસ્તારમાં પ્રવાસ અને 3ના દિવસ રોકાણની ખાસ પરવાનગી આપી હતી.

આ પહેલો પ્રસંગ
સંસ્થા સ્થાપક નિલેશ બારોટે જણાવ્યું કે,તેમની સંસ્થા વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને પ્રકૃતિ પ્રેમનું સિંચન કરવા ટ્રેકિંગ એડવેન્ચર કેમ્પ,નેચર ટ્રેલ જેવા કાર્યક્રમો યોજે છે. હિમાલયના બર્ફીલા પ્રદેશમાં સાયકલ યાત્રા પ્રથમવાર યોજવામાં આવી હતી. તેમનું કહેવું છે કે,વડોદરાની દીકરીએ આટલા લાંબા અને બર્ફીલા પ્રદેશમાં સાહસ યાત્રાનું નેતૃત્વ કર્યું હોય એવો કદાચ આ પ્રથમ પ્રસંગ છે.
આ પણ વાંચો : રાજકોટમાં 15 યુવાનો દર રવિવારે કરે છે 50 kmની સાઈકલ યાત્રા
એવરેસ્ટ સર કરવાનુ સ્વપ્ન
નિશાકુમારીની સાહસિકતા,ધગશ અને ઉત્સાહની પ્રસંશા કરતાં તેમણે જણાવ્યું કે, તેની અભિલાષા એવરેસ્ટ સહિત ત્રણ બર્ફીલા પહાડો એક સાથે સર કરવાની છે જેનો અભ્યાસ હાલમાં હિમાલયમાં આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાઈને કરી રહી છે કોરોનાની રસીની અગત્યતા સમજાવવા હિમાલય ખુંદવાના આ જૂનુન માટે નિશા અને તેના સાથી સહયોગીઓ અને રીબર્થ એડવેન્ચર સંસ્થા સલામીને પાત્ર છે.