- વડોદરા કોંગ્રેસે પાલિકા પરિસરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી
- કોરોનાની પરિસ્થિતિને લઈ કોંગ્રેસે સરકારને સૂચનો કર્યા
- ખાનગી હોસ્પિટલોમાં કોરોના કાળ અગાઉ ચાલતા ચાર્જ અમલી કરાવો
વડોદરા: કોરોનાની પરિસ્થિતિમાં સરકારને કોંગ્રેસ પક્ષ દ્વારા કેટલાક સૂચન રજૂ કરવામાં આવ્યા છે. વડોદરા શહેર કોંગ્રેસે કરેલા નિવેદનમાં જણાવાયું છે કે, કોરોના કાળમાં અગાઉ જે ખાનગી હોસ્પિટલના ભાવ અમલ કરવામાં આવતા હતા તે પ્રમાણે ચાર્જ લેવામાં આવે તો હાલમાં આર્થિક રીતે પ્રજાને ફાયદો થાય તેમ છે. ખાનગી હોસ્પિટલમાં 25 ટકા બેડ રાજ્ય સરકાર દ્વારા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે અનામત રાખવામાં આવે તેવી જાહેરાત કરવી જોઈએ. સરકાર દ્વારા માત્ર ક્રિટિકલ દર્દીઓને રેમડેસીવીર ઈન્જેકશન આપવામાં આવે એવું સૂચન ડોક્ટરને કરવામાં આવે છે. તેના બદલે ડોક્ટરને જ નક્કી કરવા દેવામાં આવે કે કોને જરૂર છે કે નહીં.
આ પણ વાંચો: રાજકોટ ઇન્જેક્શન કૌભાંડ: ભાજપ કાર્યકર્તા પર આક્ષેપ સાથે કોંગ્રેસના ધરણા
કોરોના વોરિયર્સ સંક્રમિત થાય તો મફતમાં સારવાર આપો
શહેર પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, સરકાર રેમડેસીવીર ઈન્જેકશનની અછત તાત્કાલિક પુરી કરે. રેમડેસીવીરની કાળાબજારી રોકવા માટે દર્દીને જે ઈન્જેકશન અપાયું હોય તેની ખાલી બોટલ અમદાવાદ શહેરમાં જમા કરાવીને બીજું ઈન્જેકશન આપવામાં આવે છે. તો વડોદરા શહેરમાં તેનો અમલ કરવામાં આવે તો મેડિકલ માફિયાઓની કાળા બજારી બંધ કરી શકાય. દર્દીનું મનોબળ મજબૂત થાય તે માટે કોરોના સેન્ટરમાં ટીવી મૂકી ધાર્મિક તેમજ માનસિક શાંતિ મળે તેવા કાર્યક્રમો બતાવવામાં આવે. સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં આવે તેમજ અન્ય ખાલી પડેલી સરકારી ઇમારતો, કોલેજ હોસ્ટેલો અને સ્કૂલો જેવી જગ્યાએ કોવિડ સેન્ટર ખોલવામાં આવે અને તેનું સંચાલન NGO દ્વારા કરવામાં આવે જેથી જનતાને ઓછા ખર્ચે સારી સારવાર મળી શકે.
આ પણ વાંચો: કેન્દ્રીય આરોગ્ય ટીમ સિવિલની કોવિડ સુવિધાઓ જોઇ અસંતુષ્ટ, બદલાવ કરવા કર્યા સૂચનો
દર્દીની ફરિયાદોનો ઉકેલ આવવો જોઈએ
પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કોરોના વોરિયર્સને જો કોરોના થાય તો તેની સારવાર સંપૂર્ણપણે મફતમાં થવી જોઈએ અને જે બિલ થાય તે સરકાર દ્વારા ચુકવવામાં આવવું જોઈએ. પાલિકા દ્વારા કોરોનાની મહામારીમાં પ્રજાની સુવિધા માટે જે નંબર જાહેર કરેલા છે. જેમાં માહિતી લેવા માટે પ્રજાને સંતોષ પૂર્વક જવાબ મળતો નથી. જેથી દર્દીને એડમિટ કરવા બાબત રિપોર્ટ, દવા, વેન્ટિલેટર, બેડ અને એમ્બ્યુલન્સ જેવી બાબતો પર પ્રજાને તકલીફ પડે છે. સરકારી હોય કે ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કર્યા બાદ મોટા ભાગના દર્દીની ફરિયાદ આવે છે કે તેમને સમયાંતરે દવા, ખોરાક, સારવાર કે માનસિક ટેકો પણ નથી મળતો તેની ખાસ તકેદારી રાખવાની જરૂર છે.