વડોદરા: ગત વર્ષે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં કેટલાય દિવસો સુધી દૂષિત પાણી આવતા નગરજનોના આરોગ્ય ઉપર માઠી અસર પહોંચી હતી. જેથી સ્વખર્ચે પાણી મંગાવવાનો વારો આવ્યો હતો. આ મામલે નિમેટા પ્લાન્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ સામે આવી હતી. જેમાં ફીલ્ટર બેડ, સેન્ડ અને વાલ્વની જગ્યાઓની સાફ સફાઈ થઈ નહોતી. આ બાબતમાં કસુરવાર અધિકારીઓ સામે પગલા ભરી સસ્પેન્ડ કરાયા હતાં, પરંતુ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં તંત્રએ ભીનુ સંકેલ્યુ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
તાજેતરમાં શહેરના હાથીખાના, તુલસીવાડી, ફતેપુરા સહિતના વિસ્તારમાં દૂષિત પાણીના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ સ્થિત મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નિમેટા પ્લાન્ટના કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કડક પગલા ભરવાની માગ કરવામાં આવી હતી.