વડોદરા: શહેરના યુવાને "ગણપતિ બાપ્પા મોરિયા" નામની હિન્દી શોર્ટ ફિલ્મ તૈયાર કરી છે. આ ફિલ્મમાં હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી સમયે જે કોરોના યોદ્ધાઓ છે. જેમ કે, ડોક્ટરો, હોસ્પિટલ સ્ટાફ, પોલીસ, ટ્રાફિક તથા ફાયર બ્રિગેડના જવાનો, મીડિયા કર્મીઓ અને સફાઇ કર્મીઓ કેવી રીતે આ કપરા કાળમાં લોકોની સેવા કરે છે. જ્યારે તેઓ મૃત્યુ પામે છે અને યમરાજ તેઓને શ્રીજીના દરબારમાં લઈને જાય છે. ત્યારે યમરાજ કે, જેમને કોઇની લાગણીઓ સાથે કોઇપણ પ્રકારની નિસ્બત નથી, તેમનું પણ હૃદય દ્રવી ઉઠે છે.
આ ફિલ્મને બે મહિનામાં તૈયાર કરવામાં આવી છે. જેને શહેરના યુવાન સંદિપ રાઠોડે તૈયાર કરી છે અને રાઇટર ઉદય બારડે પટકથા લખી છે. જેનું ફિલ્માંકન લક્ષ્મી ફિલ્મસીટી વડોદરામાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સંદિપ રાઠોડ ઉપરાંત પરાગ કંસારા, બરાનપુરાના વ્યંઢળ સમાજના અગ્રણી અંજુમાસી તથા ગ્રીવા કંસારા સહિતના કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે. આ શોર્ટ ફિલ્મ ગુજરાતી, હિન્દી અને મરાઠી એમ ત્રણ ભાષાઓમાં તૈયાર કરવામાં આવી છે અને તેને ટૂંક સમયમાં જ સમગ્ર ભારતમાં રજૂ કરવામાં આવશે.