વડોદરાઃ જીલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વડાપ્રધાનના જન્મદિવસે કરજણ અને સાવલીમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ કાર્યક્રમના જીવંત પ્રસારણ સહિતના આયોજન અંગે તાલુકા વહીવટી તંત્રોને વિડિયો કોનફરન્સથી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બંને સ્થળોએ સોશીયલ ડિસ્ટન્સ સહિતની કોરોના તકેદારીઓ સાથે કાર્યક્રમ યોજવાની તકેદારી લેવાની સૂચના આપવાની સાથે પૂર્વ તૈયારીઓની સંબંધિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને નગર પાલિકાના મુખ્ય અઘિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને મહિલા પદાધિકારીઓ અને સખી મંડળની સદસ્યાઓ કાર્યક્રમનો લાભ લે એવી તકેદારી લેવા જણાવ્યું હતું.
ગુરુવારે વડાપ્રધાન મોદીના 70માં જન્મ દિવસ નિમિત્તે મહિલા સશક્તિકરણને વેગ આપનારા આ કાર્યક્રમો વડોદરા શહેર ઉપરાંત સાવલીમાં અને કરજણમાં યોજવામાં આવી રહ્યાં છે. વિડિયો કોન્ફરન્સમાં કાર્યક્રમ આયોજન અંગે વિગતવાર સૂચનાઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરીએ આપી હતી. જીલ્લા કલેકટરે આજ દિવસે વરણામા અને કરજણમાં સાત પગલાં કિસાન કલ્યાણના હેઠળ યોજાનાર કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરીને આત્મા અને કૃષિ વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.