- વિધાનસભાની પેટા ચૂંટણી
- કરજણ ખાતે મહિલા કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો
- ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રી બા વાઘેલા ઉપસ્થિત
વડોદરા: કરજણ ખાતે મહિલા કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રી બા વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ જયંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વિધાનસભાની પેટા ચૂંટણી
આગામી 3જી નવેમ્બરે યોજાનારી કરજણ વિધાનસભાની પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કરી પોત પોતાના ઉમેદવારોને વિજયી બનાવા અપીલ કરી રહ્યા છે. જેના ભાગરૂપે શનિવારે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રી બા વાઘેલાની ઉપસ્થિતિમાં કરજણ ખાતે રેલી અને જન સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં કોંગી મહિલા કાર્યકરો જોડાઈ હતી.
પ્રદેશ કોંગ્રેસ મહિલા અધ્યક્ષ ગાયત્રી બા વાઘેલાનું સંબોધન
પ્રદેશ કોંગ્રેસ મહિલા અધ્યક્ષ ગાયત્રી બા વાઘેલાએ કાર્યક્રમમાં હાજર કોંગી મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ત્રીજી નવેમ્બરે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં વધુમાં વધુ મતદાન કરાવી તેઓને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મીડિયા સમક્ષ નિવેદન આપતા ગાયત્રી બા વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ ભાજપની સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો કર્યા હતા.ત્યાર બાદ ગાયત્રી બા વાઘેલાની આગેવાની હેઠળ કરજણ નગરના જૂના બજાર સહિત વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કરી લોકોને કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને મત આપવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં હાજર આગેવાનો
કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહિલા મંત્રી જાનકી બેન પટેલ, વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ લતાબેન સોની, વડોદરા શહેર કોંગ્રેસ અધ્યક્ષ સરસ્વતી બેન દેસાઈ, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરપર્સન નીલાબેન ઉપાધ્યાય, કરજણ તાલુકા પંચાયતના અધ્યક્ષ દીપ્તિ બેન ભટ્ટ, કરજણ તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ રેહાના બેન કડીવાળા સહિત મોટી સંખ્યામાં કોંગી મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.