- ગેરકાયદે ખડકાયેલા દબાણોને કારણે ટ્રાફિક જામ
- માજી સરપંચે તંત્ર સામે નારાજગી દર્શાવી
- દબાણોને પગલે વાહનોની હાલાકી
વડોદરા: સાવલીના મુખ્યમાર્ગમાં સાવલીની ભાદરવા ચોકડી પાસે રોડ પર થયેલા લારી-ગલ્લાના દબાણોના કારણે ટ્રાફિક જામની કાયમી સમસ્યાનું નિવારણ માટે લોકોએ માગ કરી છે. તંત્રના પાપે ગેરકાયદે ઉભા થયેલા દબાણોને પગલે જાહેર માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતા પસાર થતા વાહનોએ હાલાકીનો ભોગ બનવું પડે છે, ત્યારે માજી સરપંચે તંત્ર સામે નારાજગી દર્શાવી ટ્રાફિકની સમસ્યાનું વહેલીતકે નિવારણ લાવવા માગ કરી હતી.
R એન્ડ B વિભાગ અને નગરપાલિકા એકબીજાને આપે છે ખો
વડોદરા જિલ્લાના સાવલી નગરના છેવાડેથી પસાર થતાં મુખ્ય માર્ગ ટીંબા ગામે આવેલા કોવોરી ઉધોગ અને પંચમહાલ ખેડા જિલ્લાને જોડતો અને મંજુસર GIDC જેવા ઉદ્યોગમાં અવરજવરને લઈ 24 કલાક મોટા ભારદારી ડંપર અને અન્ય વાહનો પૂર ઝડપે દોડતાં હોય છે. જે સાવલીની ભાદરવા ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં હોય છે. જ્યાં રોડ પર ફ્રૂટ, લસણની લારીઓ અને ખાનગી પેસેન્જર વહન કરતાં વાહનો દ્વારા રોડ પર વધતાં દબાણોના કારણે ટ્રાફિક જામની કાયમી સમસ્યા ઉદભવે છે. ભાદરવા ચોકડી પાસે સાવલી પોલીસનો ટ્રાફિક પોઈન્ટ પણ મુકાયો છે. આ રોડ પર થયેલા દબાણો બાબતે R એન્ડ B વિભાગ અને નગરપાલિકા એકબીજાને ખો આપી ટ્રાફિક જામની કાયમી સમસ્યાનું નિવારણ થાય તેવી લોક માગ ઉઠી છે.