- વડોદરાના તબીબી આલમમાં આનંદની પળો આવી
- 17 મહિના બાદ રક્ષાબંધનનો પર્વ પરિવારજનો સાથે મનાવશે
- કોરોનાના કેસો ઘટતા લોકોમાં તહેવારોનો ઉત્સાહ જોવા મળ્યો
વડોદરા: વૈશ્વિક કોરોના મહામારીએ ભારત દેશ સહિત સમગ્ર વિશ્વને પોતાના અજગરી ભરડામાં લીધો હતો. જેના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. કોરોનાના કારણે તમામ ધંધા-રોજગાર બજારો બંધ રહેતા લોકોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ કોરોનાકાળ દરમિયાન લોકો પોતાના મૃતક સ્વજનોના અંતિમ ક્ષણે ચહેરો પણ જોઈ શક્યા નહીં તો બીજી તરફ અંતિમ ક્રિયા વખતે પણ હાજર રહી શક્યા નહીં.
આ પણ વાંચો- દોઢ વર્ષમાં પ્રથમ વખત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી ન હોવાથી કોરોના વોર્ડ કરાયો બંધ
દર્દીને સાજો કરવા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ડોક્ટરોએ પોતાના તહેવાર નેવે મૂકી દીધા હતા
સમગ્ર વિશ્વને કોરોનાએ હચમચાવી મૂક્યું હતું, જ્યારે કોરોનાને માત આપવા માટે સમગ્ર મેડિકલ-પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ ખડેપગે દર્દીઓની સારવારમાં જોતરાયા હતા. દર્દીઓની સારવારમાં કોઈ ઉણપ ન આવે તે માટે પોતાના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દર્દીને સાજો કરવા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા અને પોતાના તહેવારો પણ તેમણે નેવે મૂકી દીધા હતા.
તંત્રએ તહેવારો સરકારની ગાઈડલાઈન અનુસાર ઉજવવા કહ્યું
કોરોનાકાળ દરમિયાન તબીબી આલમ તમામ તહેવારો પોતાના પરિવારજનો સાથે મનાવી શક્યા ન હતા. હાલ ચાલુ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો થતા હવે તહેવારો સરકારની ગાઈડલાઈન અનુસાર ઉજવવા માટે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જેને લઇને આ વર્ષે તમામ ક્ષેત્ર સાથે જોડાયેલા અધિકારીઓ પદાધિકારીઓ મહાનુભાવો તમામ વર્ગના લોકો પોતાના પરિવારજનો સાથે તહેવારો મનાવશે જેથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ડો.હિતેશ રાઠોડ પરિવારજનો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવશે
કોરોનાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી માંડીને આજદિન સુધી કોવિડમાં કામગીરી કરનારા ગોત્રી GMERS મેડિકલ કોલેજના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એસોસિયેટ પ્રોફેસર તેમજ ડેડબોડી મેનેજમેન્ટના નોડલ ઓફિસર ડો.હિતેશ રાઠોડ દોઢ વર્ષ ઉપરાંતના સમયથી સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે. ડો.હિતેશ રાઠોડ ઘણા લાંબા સમય બાદ ચાલુ વર્ષે પોતાના પરિવારજનો સાથે આગામી રક્ષાબંધનનો તહેવાર મનાવવા જશે.
ગોત્રી મેડિકલ કોલેજને કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ બનાવવામાં આવી
ડો.હિતેશ રાઠોડે ETV Bharat સાથે કરેલી ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારે કોરોનાનો પ્રથમ કેસ આવ્યો, ત્યારે મારું પોસ્ટિંગ ડેડબોડી મેનેજમેન્ટ ટીમમાં થયું. ગોત્રી મેડિકલ કોલેજને કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ બનાવવામાં આવી. ત્યારે સૌપ્રથમ મેં મારા પરિવારને મારા ગામ ગરબાડા જિ.દાહોદ મોકલી દીધા હતા અને સતત બે વર્ષ સુધી હું મારા પરિવારથી દૂર રહ્યો છું. કોવિડ પેન્ડેમિકમાં તમામ ડોક્ટરો પણ એટલા ડરી ગયા હતા કે, કોરોના અમારા ઘરમાં ન આવી જાય, આવા સમયમાં આઠ મહિના મારો પરિવાર દૂર રહ્યો, ત્યારે હું પણ મારા અલગ રૂમમાં આઇસોલેટેડ થઇ રહેવા લાગ્યો.
આ પણ વાંચો- કોરોનાનો માત્ર એક જ કેસ મળ્યા બાદ ન્યૂઝીલેન્ડે દેશભરમાં લાદ્યું લોકડાઉન
કુરિયર સર્વિસ બંધ હોવાથી રાખડી બંધાવી શક્યો ન હતો
વધુમાં હિતેશ રાઠોડે જણાવ્યું કે, મારી સગી એક પણ બહેન નથી, પરંતુ ઘણી પિતરાઇ બહેનો છે. જેમણે મને ગયા વખતે રક્ષાબંધનના તહેવાર પર કીધું હતું કે, ભાઈ તમે આવવાના છો કે નહીં અમે રાખડી મોકલાવીએ. એ સમયે કુરિયર સર્વિસ બંધ હોવાથી રાખડી બંધાવી શક્યો ન હતો. કોરોના સંક્રમણ તેજ બન્યું હતું અને રાખડી બાંધે તો મારે ગ્લોઝ ,પીપીઈ કીટ વગેરે પહેરવું હોય તો રાખડી કાઢવી પડતી માટે મેં સામેથી જ ના પાડી દીધી હતી કે બહેન હમણાં રાખડી ના મોકલીશ. જ્યારે આજે મને ફોન આવી રહ્યા છે કે, ભાઈ તમે આ વર્ષે આવશો કે નહીં તો મને ખુશી થાય છે કે હું જઇ રહ્યો છું. કોરોના ઓછો થયો છે અને આ વર્ષે રક્ષાબંધન સાથે મળીને ઉજવાશે. મારા માતા-પિતા પણ ખૂબ જ ખુશ છે.