- વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં એક શખ્સના મોતનો મામલો
- પોલીસે માર મારતાં શખ્સનું મોત નિપજ્યાનો પરિવારનો આરોપ
- મૃતકનું પોસ્ટમોર્ટમ કરવા મૃતદેહ સયાજી હોસ્પિટલ લવાયો
વડોદરા : જવાહરનગર પોલીસ મથક દ્બારા મોડી રાત્રે અટકાયત કરાયેલા 45 વર્ષીય વ્યક્તિનું રહસ્યમય મોત નિપજ્યું હતું. પરિવારજનો દ્બારા પોલીસે છાતીમાં દંડા માર્યા હોવાથી મોત નિપજ્યું હોવાનો આક્ષેપ મુક્યો હતો. પોલીસે ચોક્કસ મોતનું કારણ જાણવા માટે સયાજી હોસ્પિટલમાં પેનલ PM કરાવવાની કાર્યવાહી હાથધરી છે. નોંધનીય છે કે, ફતેગંજ પોલીસ સ્ટેશનના બહુ ચર્ચિત બાબુ શેખ કસ્ટોડિયલ ડેથ બાદ જવાહરનગર પોલીસ મથકનો કહેવાતા કસ્ટડિયલ ડેથનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે.
કંટ્રોલરૂમની વર્ધીના આધારે અટકાયત
મળતી માહિતી અનુસાર, શહેર નજીક બાજવા ગામમાં 3, જલારામ નગરમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢિયાર ઉ.વ.45 પત્ની જશોદાબેન અને માતા સાથે રહે છે. તેઓ જમીન ખરીદ-વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મોડી રાત્રે જવાહરનગર પોલીસ મથક દ્વારા પોલીસ કંટ્રોલરૂમની વર્ધીના આધારે અટકાયત કરીને પોલીસ મથકે લઈ આવી હતી. દરમિયાન આજે સવારે તેઓનું રહસ્યમય મોત નિપજ્યું હતું. જોકે, આ બનાવની જાણ પરિવારજનોને થતા તેઓને મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈનું મોત પોલીસના મારથી થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યાં સુધી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ના આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
ડેડબોડીની તપાસ કરતા છાતીમાં અને હાથમાં દંડા વાગેલા ઉભા નિશાન
પોલીસ મથકમાં રહસ્યમય મોતને ભેટેલા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈના ભત્રીજા નિલેશભાઈ સોલંકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સવારે 8:30 વાગે મારા ફોઈ જશોદાબેનનો ફોન આવ્યો હતો. તેમને જણાવ્યું હતું કે, મારા ફૂવાને બાજવા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તુરંત જ હું હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. જ્યાં મારા ફુવાનું મોંત નિપજેલું હતું. આ અંગે પોલીસને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, તેમનું એટેક આવવાથી મોત નિપજ્યું છે. જોકે, અમે ડેડબોડી પર તપાસ કરતા મારા ફુવાની છાતીમાં અને હાથમાં દંડા વાગેલા ઉભા નિશાન જણાઈ આવ્યા હતા. અમોએ મોતનું ચોક્કસકારણ જાણવા માટે પોલીસને જણાવતા પોલીસ દ્બારા સયાજી હોસ્પિટલમાં પેનલ PM કરાવવામાં આવી રહ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી PMનો રિપોર્ટ નહિ આવે ત્યાં સુધી અમે અમારા ફૂવાનો મૃતદેહ સ્વીકારીશું નહિ. અમારી માંગણી છે કે, અમારા ફૂવાના મોત માટે જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરુ કરી
આ બનાવની જાણકારી ACP બકુલ ચૌધરીને થતા તુરંત જ તેઓ પોલીસ મથકે દોડી ગયા હતા. પોલીસ મથકમાંથી પ્રાથમિક વિગતો મેળવી મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢિયારના મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસનો દોર શરૂ કર્યો છે. અત્રે જવાહરનગર પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કરી કાર્યવાહી હાથધરી છે.