- સ્વીટી પટેલ હત્યા કેસના 2 આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર
- આરોપીઓને સાથે રાખીને આજે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
- ઘરથી લઈને મૃતદેહ સળગાવાયો, ત્યાં સુધીની ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું
વડોદરા : સ્વીટી પટેલ ગુમ થયાના અંદાજે 50 દિવસ બાદ તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું અને હત્યારો અન્ય કોઈ નહિં, પરંતુ ખુદ તેનો પોલીસ પતિ અજય દેસાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટસ્ફોટ થયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અજય દેસાઈ અને મૃતદેહને સગેવગે કરવામાં મદદ કરનાર કોંગી અગ્રણી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરીને બન્નેના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારબાદ આજે મંગળવારે બન્ને આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પળેપળની ઘટનાનું કરાવ્યું પુનરાવર્તન
સૌપ્રથમ અજય દેસાઈને કરજણ સ્થિત તેના નિવાસસ્થાને લઈ જવાયો હતો. જ્યાં તેણે સ્વીટીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ મૃતદેહને કઈ રીતે ગાડી રિવર્સ કરીને અંદર મૂક્યો હતો, ત્યાં સુધીની તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જ્યાં અંદાજે અઢી કલાકનો સમય વિતાવ્યા બાદ તે જે સ્થળે પોતાની કારમાં મૃતદેહને લઈને દહેજ સ્થિત કિરીટસિંહની બંધ હોટલમાં લઈ ગયો અને ત્યાં કઈ રીતે મૃતદેહને સળગાવ્યો હતો, ત્યાં સુધીની પળેપળની ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું હતું.