- વડોદરામાં ઈસાઈ સમાજના બે પંથ કેથલીક અને મેથોડીસ્ટ
- ફતેગંજ વિસ્તારમાં આવેલું છે ઐતિહાસિક લાલ ચર્ચ
- મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ પાસેથી તેમણે ફતેગંજ ખાતે જમીન લઈને અહીં એક ચર્ચની સ્થાપના કરી હતી
વડોદરાઃ શહેરના રહેણાંક વિસ્તાર ફતેગંજમાં વર્ષ 1902ના દશકમાં એક જુનું ચર્ચ બન્યું હતું. જે આજે લાલ ચર્ચના નામે પ્રસિદ્ધ બન્યું છે. સન 1902માં આ ચર્ચની ઈમારતનો વિસ્તાર કરવામાં આવ્યો અને શતાબ્દી પદ્ધતિથી ચર્ચનું નિર્માણ થયું છે. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પાસેથી મળેલ 500 ચાંદીના સિક્કાના દાનથી ચર્ચની ઇમારતનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
ચર્ચની ઈમારત સંપૂર્ણપણે ઈંટો, ચુનો અને લાકડામાંથી બનાવવામાં આવ્યું
આ ચર્ચમાં ગૌથીક શૈલીની વાસ્તુકલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક ક્રોસ રૂપના આકારના નાના શિખર જેવા તત્વો અણીદાર ધનુષ આકાર અને વર્તુળ આકારની બારીઓ ચર્ચના બહારના ભાગને સુંદર બનાવી રહી છે. આ ચર્ચની ઈમારત સંપૂર્ણપણે ઈંટો, ચુનો અને લાકડામાંથી બનાવવામાં આવી છે.
ચર્ચમાં એક વિશાળ ઐતિહાસિક ઘંટ
કહેવામાં આવે છે કે આ ચર્ચની ઈમારતમાં કોઈપણ પ્રકારની ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ચર્ચમાં એક વિશાળ ઐતિહાસિક ઘંટ પણ છે, અને કહેવામાં આવે છે કે જૂના દિવસોમાં તેનો અવાજ 10 કિલોમીટરની ત્રિજ્યા સુધીમાં સ્પષ્ટ સંભળાતો હતો.
નાતાલ અને ન્યૂ યરમાં ચર્ચમાં પ્રવેશ બંધી, કરાશે ઓનલાઈન પ્રેયર
જો કે આ વર્ષે નાતાલ અને ન્યૂ યરની ઉજવણીમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. વધતા જતા સંકમણને ધ્યાનમાં રાખીને ચર્ચના દરવાજા બંધ રાખવામાં આવશે. એટલે નાતાલ અને ન્યૂ યરમાં પણ ચર્ચમાં પ્રવેશ મળશે નહીં અને પ્રાર્થના માટે ચર્ચના સંચાલકો દ્વારા ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે.