- નારેશ્વરમાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી રંગ અવધૂત મંદિર
- અચોક્કસ મુદત માટે બંધ રાખવામાં આવ્યું
- કોરોના વાઇરસ મહામારીને કારણે લેવાયો નિર્ણય
વડોદરા: તહેવારો બાદ કોરોના વાઇરસ મહામારીએ રાજ્યમાં ફરી માથું ઉચક્યું છે ત્યારે કરજણ તાલુકાના નારેશ્વર ખાતે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી રંગવધૂત મંદિર સંચાલકો દ્વારા અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવ્યું છે.
નર્મદા નદીકિનારો સહેલાણીઓ વિના સુમસામ બન્યો
જો આગામી દિવસોમાં વધુ કોરોના સંક્રમણ ફેલાશે તો જ્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી આ મંદિર બંધ જ રખાશે. મંદિરની અંદર આવેલા કાર્યાલયની બહાર નોટીસ બોર્ડ પર આ માટેની સૂચનાઓ લગાવી દેવામાં આવી છે. જોકે બીજી તરફ મંદિરની આસપાસ આવેલી દુકાનો ખુલ્લી જોવા મળી હતી. પરંતુ ખૂબ જ જૂજ સંખ્યામાં શ્રદ્ધાળુઓ નજરે પડ્યા હતા. વાર તહેવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ઉભરાતું મંદિર ભકતો વિના સુનું ભાસી રહ્યું છે. માત્ર એકલદોકલ શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા. નારેશ્વર પાસેથી ખળખળ વહેતી નર્મદા નદી તટે કાયમ ભીડ ઉભરાતો કિનારો તેમજ નદી કિનારા પાસે આવેલી દુકાનો પર ખૂબ જ ઓછી ભીડ જોવા મળી હતી.