- અંકોડિયાથી ગંગાનગર જવાના માર્ગે કેનાલમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો
- કામગીરી દરમિયાન કંકાલ ભરેલું પોટલું મળી આવતાં ચકચાર
- પોલીસે FSLની મદદ લીધી
વડોદરાઃ જિલ્લાના ગોરવા પંચવટીથી અંકોડીયા ગામ તરફ જવાના રસ્તે ગંગાનગર પાસે નર્મદા કેનાલમાં ગુરૂવારે સવારે કોઈ મહિલાનો મૃતદેહ દેખાયો છે. તેવો કોલ ફાયરબ્રિગેડને મળ્યો હતો. જેથી ફાયરની ટીમ તુરંત જ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. તેઓએ કેનાલમાથી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
દોઢ થી બે કિલોમીટર દૂર મૃતદેહ તણાઇ આવ્યો હોવાનું અનુમાન
આ બનાવ મામલે ફાયરબ્રિગેડે તુરંત પોલીસ અને FSLને જાણ કરતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જો કે, આ વચ્ચે પોટલું ફતેગંજ પોલીસ મથકના કહેવાતા શેખ બાબુ હત્યા પ્રકરણ સાથે સંકળાયેલું છે કે કેમ ? તે ચર્ચાનો મુદ્દો છેડાયો છે. ફાયર બ્રિગેડના કર્મચારીએ જણાવ્યું હતું કે, આ મહિલા તારીખ 4 નવેમ્બર પછી છાણી કેનાલમાં કપડાં ધોતી વખતે દીકરી તણાઈ જતાં તેને બચાવવા પડેલી તેની માતાની હોઈ શકે છે. છાણી કેનાલમાં બનેલી આ ઘટનાને આજે એક સપ્તાહથી વધુ સમય થયો છે. જેથી દોઢ થી બે કિલોમીટર દૂર મૃતદેહ તણાઇ આવ્યો હોવાનું અનુમાન છે. જો કે, આ મૃતક મહિલાના પરિવારને તેની ઓળખ માટે જાણ કરી બોલાવવામાં આવ્યા છે. જેમાં તેઓ તેની ઓળખ કરે તે બાદ સાચી વિગત સપાટી પર આવે તેમ મનાય છે.
મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢતી વખતે નજીકથી એક પોટલું પણ મળી આવ્યું
ફાયરબ્રિગેડ દ્વારા આજે મહિલાની મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢતી વખતે તેની નજીકથી એક પોટલું પણ મળી આવ્યું હતું. જેને બહાર કાઢી તપાસ કરતા તેમાં હાડકાં મળી આવ્યા છે. આ અંગેની જાણ ફાયરબ્રિગેડ દ્વારા સ્થાનિક પોલીસ તથા એફએસએલને કરવામાં આવી હતી. જેથી બંને વિભાગ તપાસમાં જોતરાયા હતા. આ હાડકાં કોના છે તે અંગે ચોક્કસ અનુમાન લગાવું અશક્ય છે. કોઈ ઢોર કે માનવીના છે તે તપાસના અંતે માલૂમ પડી શકે છે. જો કે, આ વચ્ચે હાડકાનું પોટલું મળવાની બાબતે આ કંકાલ ફતેગંજ પોલીસ મથકમાં થયેલી કથિત મૃતક શેખ બાબુની હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.