- SSGના કોરોના બિલ્ડીંગમાં હંગામી કર્મચારીઓને છુટ્ટા કરી દેવાતાં વિવાદ સર્જાયો
- સવારે કર્મચારીઓ ઓફિસે પહોંચતા જાણ કરવામાં આવી
- કોવિડ વોર્ડના કર્મચારીઓએ એત્રિતત થઈ કોન્ટ્રેક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
વડોદરા: વડોદરામાં જ્યારે કોરોનાના કેસમાં વધારો થયો ત્યારે SSG કોવિડ હોસ્પિટલે હંગામી કર્મચારીઓની અછત પડતા બેરોજગાર યુવાનો અને યુવતીઓને ઘરેથી બોલાવી તેમને રોજગારીની તક આપી હતી. આજરોજ વર્ગ-4ના કર્મચારી ડ્યુટી કરવા પહોંચતા તેમને બેસવાનું કહેવામાં આવ્યું અને તમારો કોન્ટ્રાક્ટ પીરિયડ પૂરી થઈ ગયો છે એમ કહેવામાં આવ્યું હતું.
વર્ગ-4ના કર્મચારીઓ છે 2 મહિનાથી પગારથી વંચિત
અગાઉ બે દિવસ પહેલા 2 મહિનાના પગારના મામલે હંગામી કર્મચારીઓ મોટી સંખ્યામાં SSG હોસ્પિટલ RMO ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કરી કોન્ટ્રાક્ટર કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો અને રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. તે ઘટના બાદ આજે USE and THROWની જેમ કર્મચારીઓને નોકરીથી છુટ્ટા કરી દેવામાં આવ્યા હતા. જેથી રોષે ભરાયેલા કર્મચારીઓએ કોવિડ હોસ્પિટલની બહાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોન્ટ્રાક્ટર અને જમાદારની મિલીભગતથી આજરોજ 350થી વધુ ક્લાસ ફોર કર્મચારીઓ ફરી એકવાર બેરોજગાર બન્યા હતા. ડિસેમ્બર મહિનાનો પગાર સરકારે કોન્ટ્રાક્ટર નાકરાણી કંપનીને પે એકાઉન્ટ ખોલાવી ડાયરેક્ટ તેમાં પગાર નાખવાનો આદેશ આપ્યો હતો. પણ આ કોન્ટ્રાક્ટર ચેતન નાકરાણી એકાઉન્ટ ખોલવામાં સમય બગાડતા સરકારે કોન્ટ્રાક્ટરને પગાર બીલના રૂપિયા ચૂકવાયા નહતા.
કર્મચારીઓમાં USE and THROWની લાગણી
કોવિડ કર્મચારી કેતન પવનનું કહેવું છે કે, જીવ જોખમમાં મુકી પરિવારને દૂર રાખી અમે કોવિડની સ્થિતિમાં કામ કર્યું છે. કોવિડ દર્દીઓને ડાયપરથી લઇ દરેક ચીજવસ્તુની સેવા આપી છે. આજે અગાઉ બે મહિનાની નોટીસ વગર અમને કાઢી મુકતા અમારું શું થશે? શું કોરોના સંક્રમણ ખતમ થઈ ગયું છે? જયારે કોરોના સંક્રમણ વધુ હતું ત્યારે અમને શોધીને નોકરીમાં લગાવવામાં આવ્યા હતા આજે કામ પૂરું થતા યુઝ એન્ડ થ્રોની જેમ ફેંકી દેવામાં આવ્યા છે. આગામી મંગળવાર સુધી અમારો બે મહીનાનું વર્તન નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.