- સમા મંગલ પાંડે રોડ પર સર્જાયો અકસ્માત
- સિમેન્ટ કોંક્રીટના મિક્સરની અડફેટમાં બાઈક સવારનું થયું મોત
- લોકોએ મચાવ્યો હોબાળો
- તંત્રની અગોરા બિલ્ડર સાથે મિલીભગતથી મોતનો બનાવ બન્યો હોવાના આક્ષેપ
વડોદરા: શહેરના સમા તરફ જવાના મંગલ પાંડે રસ્તા પર અગોરા મોલ પાસે લોકોએ ભેગા થઈ સ્પીડ બ્રેકર મૂક્યું હતું. સોમવારે કોર્પોરેશનને હટાવી લેતા હોબાળો સર્જાયો હતો. તે હટાવવાની સાથે જ આજે સવારે સિમેન્ટ કોંક્રીટના મિક્સરની અડફેટમાં એક બાઇક ચાલક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ફાળો એકત્ર કરી સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું
સમા અગોરા મોલ પાછળ બનેલા પ્રધાનમંત્રી આવાસ હેઠળના મકાનોના રહીશોની વર્ષ 2017/18ની વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા આ ઓફિસથી પેલી ઓફિસના ધરમધક્કા ખવડાવવામાં આવતા હતા. આખરે ત્યાંના રહીશો દ્વારા સ્વયં લોકફાળો એકત્રિત કરી પોતાના ખર્ચે લોકોના બચાવ અર્થે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું. જે તંત્રના અધિકારીઓએ ઉપરી સાહેબોના મૌખિક આદેશથી સોમવારે તોડી પાડવામાં આવ્યું હતું. જેનો વિરોધ સ્થાનિક અગ્રણી મુન્ના ભાઈ તથા શહેર કોંગ્રેસ મંત્રી દિપક દેસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો.