ગુરુવારની સાંજે નવલખી કંપાઉન્ડમાં કિશોરી પર દુષ્કર્મ આચરનાર બે ઇસમોની શક્ય તેટલી ઝડપથી ધરપકડ થાય તે માટે પોલીસે એક્સપર્ટ પાસે બે નવા સ્કેચ બનાવ્યા છે. જેમાં યુવતી અને તેના મિત્રએ કરેલા વર્ણન મુજબ બંનેના ચહેરા 90 ટકા જેટલા શકમંદો સાથે મેળ ખાઇ રહ્યાં હોવાનો પોલીસે દાવો કર્યો છે.
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત શનિવારે રાવપુરા પોલીસ મથક પહોચ્યાં હતા. જયાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની ગંભીરતાને લઇ તમામ ટીમો કામ કરી રહી છે. જો કોઇ શહેરીજન શકમંદની સચોટ વિગત આપશે તો તેનું નામ ગુપ્ત રખાશે. અને આરોપીઓને શોધવામાં તેમની વિગત સાચી પુરવાર થશે તો વિગત આપનારને 1 લાખનું ઈનામ આપવામાં આવશે.
પોલીસ કમિશ્નરે કહ્યું કે, આ માટે કોઈ પણ શહેરીજન પોલીસ કન્ટ્રોલ રુમ ( 100 અથવા 2415111 ) રાવપુરા પોલીસ મથક ( 2459991 ) અથવા DCP ઝોન-2 સંદીપસિંહ ચૌધરી (મો. 9978408866)નો સંપર્ક કરી શકશે.
શુક્રવારે રાત્રે પીડિત યુવતીની સ્થિતિ થોડી સામાન્ય બનતા તેના સાહેદને સાથે રાખીને એકસ્પર્ટ દ્વારા નવા સ્કેચ જારી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 50થી 60 જેટલા શકમંદોની તપાસ કરવામાં આવી છે.
લોકલ પોલીસ, ક્રાઇમ બ્રાંચ, PCB સહિતની ટીમે ઘટના સ્થળની આસપાસ ફરતા લુખ્ખા તત્વોની તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં પોલીસે બનાવ સ્થળની આસપાસ તેમજ રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારના શંકમંદોની યાદી તૈયારી કરાવી છે. નવા જારી કરવામાં આવેલા સ્કેચ સાથે બંન્ને આરોપીઓની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા પોતાના બાતમીદારોને સક્રિય કર્યા છે.