- રેસિડેન્ટ તબીબોએ મેડિકલ કોલેજના ડીનની કચેરી બહાર દેખાવો કર્યો
- મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપી કરી રજૂઆત
- માનદ વેતન ન મળતા રેસિડેન્ટ તબીબોમાં રોષ
વડોદરાઃ સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો સયાજી હોસ્પિટલ સ્થિત મેડિકલ કોલેજના ડીનની કચેરી પાસે એકઠા થયા હતા અને 25 હજાર રૂપિયા માનદ વેતન આપવા તેમજ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માગણી સાથે દેખાવો કર્યાં હતો. રેસિડેન્ટ તબીબોએ મેડિકલ કોલેજના ડીન તનુજા જાવડેકરને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારી દરમિયાન સતત 30 દિવસથી વધારે કોરોના દર્દીઓની સેવા અને સારવાર કરનારા તબીબોને મુખ્યમંત્રી કોરોના વોરિયર સન્માન યોજના અંતર્ગત 25 હજાર રૂપિયા માનદ વેતન આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. જોકે, સરકાર દ્વારા હજુ સુધી માનદ વેતન ચૂકવવામાં આવ્યુ નથી. રેસિડેન્ટ તબીબો દ્વારા અવાર નવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ માનદ વેતન ન મળતા રેસિડેન્ટ તબીબોમાં રોષ ફેલાયો છે.
આ પણ વાંચોઃ ડૉક્ટર્સ 25 હજાર લેવા માટે હડતાળ પર જવા માગે તો તે યોગ્ય નથી - નીતિન પટેલ
રેસિડેન્ટ તબીબોએ ઉચ્ચારી ચીમકી
રેસિડેન્ટ તબીબોએ જણાવ્યું કે, આવેદનપત્ર આપ્યાં બાદ પણ અમારી માગણીનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ન છૂટકે અમારે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. વડોદરા શહેરમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે. હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે, ત્યારે સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ કોરોનાના દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે રીતે પોતાની માગ પૂરી કરવા માટે સરકારને અપીલ કરી છે. જો સરકાર વહેલી તકે માગ પૂરી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ રેસિડેન્ટ તબીબોએ ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ ભુજમાં પડતર માંગણીઓનેે લઈ સિવિલ હૉસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા