- શહેરમાં કોરોના સંક્રમણને લઈને સમીક્ષા બેઠક
- બેઠકમાં તમામ કોચિંગ ક્લાસિસ બંધ રાખવાનો આદેશ
- શુક્રવારે તમામ હોસ્પિટલો સાથે યોજાશે બેઠક
વડોદરા: શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને લઈને ગુરૂવારે OSD(ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી) ડૉ. વિનોદ રાવે આરોગ્ય શાખાના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે લઈને મિટીંગ યોજી હતી. જેમાં શહેરમાં ચાલતા તમામ કોચિંગ ક્લાસિસ તાત્કાલિક ધોરણે બંધ કરવાના આદેશ આપ્યા હતા. અને શુક્રવારે ગોત્રી અને SSG હોસ્પિટલની મુલાકાત લઈને શહેરની મોટી હોસ્પિટલો સાથે શુક્રવારે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોનાને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા
બેઠકમાં થયેલી ચર્ચા અંગે OSD ડૉ. વિનોદ રાવે જણાવ્યું હતું કે, શહેરની હોસ્પિટલોમાં હાલ 2200 જેટલા કોરોનાનાં દર્દીઓ દાખલ છે અને હોસ્પિટલોમાં હાલ 4500 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે. તંત્ર પાસે હાલ પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર પણ છે. લગભગ 880 જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વે કરી રહી છે અને ધન્વંતરિ રથ પણ સંપૂણ રીતે કાર્યરત છે.
શહેરની તમામ ખાનગી હોસ્પિટલો સાથે બેઠક મળશે
કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને શુક્રવારે ગોત્રી અને SSG હોસ્પિટલની મુલાકાત પણ ડૉ. વિનોદ રાવ દ્વારા લેવામાં આવશે. ત્યારબાદ SSGના ઓડિટોરિયમ ખાતે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે બેઠક યોજાશે. ત્યારબાદ શહેરમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે સાંજે સર્કિટ હાઉસ ખાતે શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેર સિંઘ, કલેક્ટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં રાત્રિ કરફ્યૂનો સમય વધારાય તેવી શક્યતા
ગુરૂવારે સવારે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ બાગ બગીચાઓ 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. સાંજે જ શિક્ષણ પ્રધાન દ્વારા ઓફલાઇન શિક્ષણ બંધ કરીને 10 એપ્રિલ સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. જ્યારબાદ OSD ડૉ. વિનોદ રાવે અધિકારીઓ સાથે યોજેલી સમીક્ષા બેઠકમાં પ્રાણી સંગ્રહાલય અને કોચિંગ ક્લાસીસ તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ આપ્યા હતા. આગળના દિવસોમાં તંત્ર દ્વારા કરફ્યૂનો સમય વધારવાની તેમજ મોલ, મલ્ટીપ્લેક્સ પણ બંધ કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.