વડોદરાઃ વડોદરામાં કોરોના વાઈરસને લોકડાઉન વચ્ચે વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં સમોસા-ભજીયાની લારી ચલાવનારા તેમજ કચોરી વેચનારા બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
નાસ્તાની લારીઓ ચલાવનારાઓએ પોલીસને જણાવ્યું કે, રોજનો ખર્ચ કાઢવા માટે નાણાં ખૂટી ગયા હોવાથી નાસ્તાની લારી ચાલુ કરવાની ફરજ પડી છે. કોરોના વાઈરસના વ્યાપને અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં રોજ કમાઇને રોજ ખાનાર નાના વેપારીઓની હાલત દયનીય બની ગઇ છે, ત્યારે રોજની જીવન જરૂરી ચિજવસ્તુઓનો ખર્ચ કાઢવા માટે વારસીયા વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉત્તમચંદ જેસવાણીએ વિસ્તારમાં સમોસા-ભજીયાની લારી ચાલુ કરી હતી. આ અંગેની જાણ વારસીયા પોલીસને થતાં તુરંત જ લારી ઉપર પહોંચી જઇ વેપારીની ધરપકડ કરી હતી. સાથે તેની લારી પણ કબજે કરી હતી
વારસીયામાં રહેતા અશ્વિન કેશુરામ માલીએ વિસ્તારમાં કચોરી વેચવાનું શરૂ કર્યું હતું. વારસીયા પોલીસે કચોરી વેચનારા અશ્વિન માલીની પણ ધરપકડ કરી હતી. આ સાથે તેની કચોરી સાથેની સાઇકલ કબજે કરી હતી.