વડોદરાઃ શહેરના ડેરી ડેન સર્કલ પાસેથી સયાજીગંજ પોલીસે નકલી પિસ્તોલ સાથે નકલી પોલીસ બનીને પોલીસ તરીકે રોફ જમાવતા એક યુવકને ઝડપી લીધો હતો. સયાજીગંજ પોલીસે આ ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ મથકની સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ સમય દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ડેરી ડેન સર્કલ પાસે કોઈ ક્રાઈમ બ્રાન્ચનો પોલીસ કર્મચારી લારી ધારકોને પોતે ક્રાઈમ બ્રાન્ચમાં હોવાનો રૂઆબ બતાવી બોલાચાલી કરી રહ્યો છે. જે માહિતીને આધારે સયાજીગંજ પોલીસ મથકની સર્વેલન્સની ટીમે ડેરી ડેન સર્કલ ખાતે દોડી જઈને શખ્સને ઝડપી પાડ્યો હતો. જો કે, પોલીસે તપાસ કરતા આ યુવકની કમરના ભાગે રિવોલ્વર જેવું હથિયાર પણ શખ્સ પાસે હતું. પોલીસે આ હથીયાર ચપળતા પૂર્વક તેની પાસેથી લઈ લીધુ હતું.
આરોપીની એક્ટિવાની તપાસ કરાતાં ડીકીમાંથી પ્લાસ્ટિકની એર ગનની ગોળીઓ તથા નાના છરા અને એક અંગ્રેજીમાં પોલીસ કલરથી ક્રાઈમ બ્રાન્ચ લખેલી છુટ્ટી નંબર પ્લેટ મળી આવી હતી. આ ઉપરાંત તેની એક્ટિવા પર અંગ્રેજીમાં ક્રાઈમ બ્રાન્ચ લખેલી નંબર પ્લેટ, સહિત પોલીસ જેવી વાંસની લાકડી પણ એક્ટિવા પર બાંધેલી હતી. પોલીસે આ બનાવ અંગે તેની પૂછપરછ કરતા તેણે પોલીસનો રૂઆબ મારવા માટે એર પિસ્તોલ લટકાવી પોતે પોલીસની ખોટી ઓળખ આપતો હોવાનું જણાવ્યું હતું.
આ ઈસમ પાસે ક્રાઈમ બ્રાંયની નકલી નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે આધાર પુરાવા વગર નંબર પ્લેટ બનાવી આપનાર શખ્સની પણ ઘરપકડ કરી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે આ ઈસમની ધરપકડ કરી, ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.