વડોદરાઃ વડોદરા શહેરમાં ઓકટેન્ટ પિઝાના કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા કર્મચારીઓ લોકડાઉનનો ભંગ કરીને માલિકના ઘરે જવા નીકળી પડ્યા હતા. જોકે, તેઓ માલિકના ઘરે પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તે તમામ કર્મચોરીઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને મધ્યસ્થી બનીને કર્મચારીઓનો પ્રશ્ન હલ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.
પગાર ન મળતા કર્મચારીઓ નારાજ
પગાર ન મળતા કર્મચારીઓએ માલિકના ઘરે જવાનું નક્કી કર્યુ હતું. વડોદરામાં વાસણા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ સહિત વિવિધ વિસ્તારોમાં 7 જેટલા ઓકટેન્ટ પિઝાના સ્ટોર આવેલા છે. વાઘોડિયા રોડ ઉપર આવેલા પિઝા સેન્ટરના 20 જેટલા કર્મચારીઓ પગાર પ્રશ્ન રોડ ઉપર ઉતરી આવ્યા હતા. વાસણા રોડ ઉપર રહેતા માલિકના ઘરે પગાર લેવા જવા માટે વાટ પકડી હતી. લોકડાઉનનો ભંગ કરીને પગાર લેવા માટે જઇ રહેલા તમામ 20 જેટલા કર્મચારીઓને પોલીસે માંડવી ખાતે ડિટેઇન કરી લીધા હતાં.
પગાર ઉપર જ અમારૂ ગુજરાન ચાલે છે, અમને નાણાંની જરૂર છે
લોકડાઉન દરમિયાન પગારથી વંચિત પિઝા સેન્ટરના કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું કે, બે માસથી પગાર ન મળવાથી હાલત ગંભીર બની ગઇ છે. શેઠને ફોન કરવા છતાં તેઓ દ્વારા કોઇ સંતોષકારક જવાબ ન મળતા અમારે શેઠના ઘરે પગાર લેવા જવા માટેની ફરજ પડી છે. અમે નોકરી કરીને અમારું ગુજરાન ચલાવવા સાથે વતનમાં રહેતા અમારા પરિવારનું પણ ગુજરાન ચલાવીએ છીએ. અમારે અહીં મળતા પગારમાંથી થોડી રકમ વતનમાં મોકલવાની હોય છે. અમારે નાણાંની જરૂરીયાત હોવાથી અમારે આ માર્ગ અપનાવવાની ફરજ પડી છે. પોલીસે કર્મચારીઓની વિગત સાંભળ્યા બાદ પીઝા સેન્ટરના માલિકને બોલાવી કર્મચારીઓનો પ્રશ્ન હલ કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.