- ઓફલાઈન પરીક્ષાની સુચના વાલીઓએ નકારી
- જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કર્યા સૂત્રોચ્ચાર
- ઓનલાઈન પરીક્ષા લેવા કરી રજૂઆત
વડોદરા: કોરોના મહામારીના સંક્રમણ વચ્ચે ફતેગંજ વિસ્તારમાં આવેલી રોઝરી સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની પરીક્ષા 15મી માર્ચથી યોજવામાં આવશે. જેના અભ્યાસક્રમ અને ટાઈમ-ટેબલની સાથે પરીક્ષા ઓફલાઈન સ્કૂલમાં આપવાની હોવાની જાણ વાલીઓને કરાતા વાલીઓએ રોઝરી સ્કૂલમાં પ્રિન્સિપાલને પરીક્ષા ઓનલાઈન લેવા રજૂઆત કરી હતી, પરંતુ સ્કૂલ સત્તાધીશો તરફથી યોગ્ય જવાબ ન મળતાં , વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી કારેલીબાગ પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ઓનલાઇન પરીક્ષાની માંગણી કરી હતી.
ઓફલાઈન પરીક્ષા થશે તો બાળકોને શાળાએ નહી મોકલે
વાલીઓએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરની અન્ય શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, ત્યારે બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન યોજવી જોઈએ અને જો ઓફલાઈન પરીક્ષા યોજાશે તો તેઓ પોતાના બાળકોને પરીક્ષા માટે નહીં મોકલે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે બનાવેલા નિયમોનો વિરોધ
વાલીઓએ આપ્યું સંમતિપત્ર
સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કિશોર પરમારે જણાવ્યું હતું કે, પરીક્ષાના નિયમો અંગે સ્કૂલ સત્તાધીશો અજાણ હોવાથી ગેરસમજ ઊભી થઈ છે, તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરી સ્કૂલ સત્તાધીશોને જાણ કરવામાં આવી છે કે પાંચમા ધોરણ સુધીના બાળકોની પરીક્ષા ઓનલાઈન યોજવાની છે. પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધીના બાળકોની શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હોવાથી જે વાલીઓએ સંમતિ પત્ર આપ્યું છે તેમના બાળકોને શાળામાં ઓફલાઈન પરીક્ષા આપવાનું આયોજન કરવા જણાવ્યું છે.