- ડ્રમમાં સંતાડીને રાખવામાં આવેલો 6.23 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો કબજે
- ટ્રાન્સપોર્ટ સર્વિસની આડમાં ચાલતું વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું
- પુઠાના ડ્રમમાં સંતાડ્યો હતો 6.23 લાખનો અંગ્રેજી દારુનો જથ્થો
વડોદરા: શહેરના ડોક્ટર કરણરાજસિંહ વાઘેલાને બાતમી મળી હતી કે, માંજલપુર અલવાનાકા સાઈબાબાના મંદિર નજીક ટ્રાન્સપોર્ટ સર્વિસની આડમાં વિદેશી દારૂનું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે DCP ઝોન થ્રિએ રેડ નિષ્ફળ ન જાય તે હેતુસર સ્થાનિક પોલીસથી હકીકત સંતાડી અલવા નાકા સાંઈ બાબાના મંદિર નજીક વિદેશી દારૂની રેડ કરવાની સૂચના પાણીગેટ પોલીસને આપી હતી.
પોલીસે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા
સૂચનાના આધારે પાણીગેટ પોલીસે પુઠાના ડ્રમમાં સંતાડેલો 6.23 લાખનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. રેડ દરમિયાન પોલીસને વિદેશી દારૂની હેરાફેરી અર્થે ગોડાઉનનાં માલિક દિલીપ મારવાડી, નથુ ભાલિયા અને ભીખા ભાલિયાના નામ મળી આવ્યા હતા, જે ત્રણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
પાણીગેટ પોલીસ સ્ટાફે સફળ બનાવી રેડ
ઉલ્લેખનીય બાબત એ છે કે, છેલ્લા કેટલાક સમયથી માંજલપુર પોલીસનો સ્ટાફ વિવાદમાં રહ્યો છે, જેને લઇ DCP દ્વારા રેડ સફળ બનાવવા પાણીગેટ પોલીસ સ્ટાફને સૂચના અપાઇ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.