- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- ઓક્સિજન સ્ટોક કન્ઝમ્પશનનું લાઈવ ડેસ્ક બોર્ડ આજ બુધવારથી કાર્યરત
- હોસ્પિટલમાં ઓક્સિજનનો કેટલો જથ્થો છે તેની ચોક્કસ માહિતી મળશે
વડોદરાઃ દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી લહેરમાં ઓક્સિજનનું પ્રમાણ કોરોના દર્દીમાં ઘટવાના વધુ કેસો નોંધાયા છે. ઓક્સિજન ઘટવાના લક્ષણો પણ દર્દીઓમાં દેખાઈ રહ્યા છે. ઓક્સિજનની જરૂર વડોદરા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં અત્યારે હાલ વધી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ વડોદરા શહેરમાં ઓક્સિજન સ્ટોક કન્ઝમ્પશન લાઈવ ડેસ્ક બોર્ડનું આજ બુધવારના રોજ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ હરિયાણામાં ઓક્સિજન વધારે હોવા છતાં હોસ્પિટલોમાં અભાવ, આ છે કારણ...
ઓક્સિજનના જથ્થા અંગે લાઇવ મોનિટરીંગ થશે
વડોદરા શહેરના બદામડી બાગ ખાતે શરૂ કરવામાં આવેલા આ કંટ્રોલરૂમમાં વડોદરા શહેર-જિલ્લાની હોસ્પિટલોમાં ઓક્સિજનના જથ્થા અંગે લાઈવ મોનિટરીંગ થશે. ઉચ્ચ અધિકારીઓની સતત નજર હેઠળ કાર્યરત આ કંટ્રોલ રૂમના પગલે હોસ્પિટલમાં ઓક્સિજનનો કેટલો જથ્થો છે તેની ચોક્કસ માહિતી મળી શકશે. ઓક્સિજન સ્ટોક કન્ઝમ્પશનનું લાઈવ ડેસ્ક બોર્ડનું આજ બુધવારથી બદામડી બાગ સ્થિત કંટ્રોલમાં કમાન્ડ સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું. જેમાં OSD ડોક્ટર વિનોદ રાવ, કલેક્ટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર સ્વરૂ પી., મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય સીમાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને લાઈવ ડેસ્ક મોનિટરીંગ નિહાળ્યું હતું.
આક્સિજનના મુદ્દે સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યા છે
આક્સિજનના મુદ્દે સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યા છે અને તમામ જિલ્લામાં તેનો અમલ કરવા રાજ્ય સરકારે સૂચના આપી છે. ઓક્સિજનની ફાળવણી અંગે કરેલા અન્યાયનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં જે રાજ્યોને ઓછો જથ્થો મળ્યો હતો તેના સ્થાને વધુ જથ્થો આપવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો. એટલું જ નહીં ઓક્સિજન મુદ્દે ડાયરેક્શન પણ આપવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારે અધિકારી અને જિલ્લા કલેક્ટરને સૂચના આપી
સુપ્રીમ કોર્ટના ડાયરેક્ટરને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે દરેક ખાસ ફરજ પરના અધિકારી અને જિલ્લા કલેક્ટરને સૂચના આપીને જણાવ્યું છે કે, તાજેતરમાં હાઈકોર્ટે પણ હોસ્પિટલના મુદ્દે આ જ પ્રમાણેની જરૂરી સૂચના આપી છે. જેને ધ્યાનમાં રાખી છેલ્લા પંદર દિવસમાં ઓક્સિજનનો કેટલો જથ્થો ઉપયોગમાં લેવાયો હતો અને કયા દવાખાને કેટલો જથ્થો આપવામાં આવ્યો છે તેની માહિતી માગી છે તે પણ તૈયાર રાખવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃ પાલનપુરની બનાસ કોવિડ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે ઓક્સિજનનો પ્લાન્ટ શરૂ