- રિફાઈનરીમાં ચાલતા કોન્ટ્રાકટના કામદારોએ પગાર પ્રશ્ને વિરોધ
- જય સાંઈરામ પ્રા.લી. કંપનીના કોન્ટ્રાકટરે નથી ચૂક્વ્યો 3 મહિનાથી પગાર
- કોયલી ગામના સરપંચ સાથે સામાજિક કાર્યકર કામદારોની લડતમાં જોડાયા
- સરકારી ધારાધોરણ મુજબ પગાર નહીં કરવામાં આવતો હોવાના આક્ષેપ સરપંચે કર્યા
વડોદરાઃ ગુજરાત રીફાઈનરી કંપનીમાં જય સાંઈરામ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો કોન્ટ્રાકટ ચાલી રહ્યો છે. જેમાં કામ કરતાં સોમવારે 27 જેટલા કામદારોને છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવાતા કર્મચારીઓને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. પગાર પ્રશ્ને ઘણીવખત રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ કંપનીના કોન્ટ્રાકટર દ્વારા ગલ્લાતલ્લા કરવામાં આવતા કોન્ટ્રાકટના કામદારોએ ભેગા થઈ મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી 24 કલાકમાં પગાર ચુકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કામદારોને ન્યાય અપાવવા કોયલી ગામના સરપંચ રણજીતસિંહ જાદવ તેમજ વિસ્તારના સામજિક કાર્યકર અબ્દુલભાઇ પટેલ પણ કામદારોને સમર્થન આપી કોન્ટ્રાકટ કંપની વિરુદ્ધ આકરા શબ્દોના પ્રહારો કર્યાં હતાં.
24 કલાકમાં પગાર ન ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
આ અંગે માહિતી આપતા કોયલી ગામના સરપંચ રણજીતસિંહ જાદવે જણાવ્યું હતું કે ગુજરાત રિફાઈનરીમાં જય સાંઈરામ પ્રા.લી કંપનીનો કોન્ટ્રાકટ ચાલી રહ્યો છે. જેમાં અહીં આસપાસના જ ગ્રામ્ય વિસ્તારોના કામદારો કામ કરે છે. જેમાંના 27 જેટલા કામદારોના છેલ્લા ત્રણ મહિનાથી પગાર બાકી છે. કોરોનાના કપરા કાળમાં આ કામદારોને ઉછીના નાણાં લાવીને ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે.આ અંગે અગાઉ મેનેજમેન્ટ, લેબર કમિશનરને પણ રજુઆત કરી હતી.પરંતુ સાહેબને પણ દેખાતું નથી કે અહીં કેવી રીતે કોન્ટ્રાકટ ચાલી રહ્યો છે. સરકારી ધારાધોરણ મુજબ કામદારોને પગાર આપવામાં નથી મળતો. 24 કલાકની અંદર આ કામદારોના પગાર નહીં કરવામાં આવે તો અહીં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી કોયલી ગામના સરપંચે ઉચ્ચારી હતી.