વડોદરાઃ પાદરાનાં ઓધવભુલાની ખડકીમાં રહેતા 30 વર્ષીય યુવાનનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા પાદરા શહેર અને તાલુકામાં હાહાકાર મચ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતાં જ પાદરા મામલતદાર, આરોગ્ય તંત્ર, નગર પાલિકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોચ્યું હતું.
પાદરાના જૂના એસ.ટી ડેપો રોડ પર ઓધવભુલાની ખડકીમાં છેલ્લા મકાનમાં રહેતા 30 વર્ષીય યુવક રાહુલ સુરેશભાઈ પટેલને સોખડાખુર્દ ગામ તરક્કી નર્મદા કેનાલ પાસેથી મોટર સાયકલ પર ઈંગ્લીશ દારુ ક્વોટરિયા કાપડની થેલીમાં લઈ આવતા પાદરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપીએ દારુ પોર ગામેથી નજીક આવેલા અણખી ગામેથી રણજીત ભાઈ પાટણવાડીયા પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ દારુ પોતાના ભાઈ ઉમેશ ઉર્ફ સુરેશ પટેલે મંગાવેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે રાહુલના જણાવ્યા અનુસાર, 3 ઈસમો વિરુદ્ધ પાદરા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. દારૂ સાથે પકડાયેલા રાહુલનું મેડિકલ ચેક અપ કરાવાતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પોલીસ વિભાગમાં હડકંપ મચી હતી. જ્યારે પાદરામાં ચોકારી ગ્રામ્ય વિસ્તાર બાદ પાદરા શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટિવનો પ્રથમ ક્સ નોંધાતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા વહેલી સવારથી જ જુદી જુદી ટીમના વહીવટી તંત્રના પાદરા મામલતદાર જી.ડી.બારીયા, પાલિકા ચીફ ઓફિસર કે.જી.સોનાલા,તાલુકા હેલ્થ ઓફિસર વિમલકુમાર સિંઘ, પાદરા પી.આઈ એસ.એ.કરમુર સહીતના 25 જેટલા સ્ટાફના માણસોએ ઘટનાસ્થળે ધામા નાખ્યા હતા. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત પોઝિટિવ કેસ આવનાર વિસ્તાર ઓધવભૂલાની ખડકીને કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની આસપાસ આવેલા વિસ્તાર બંગાળી ફળિયું, રાણાવાસ, જુનાઓપોરોડ, કોઠી ફળિયાને બફરઝોન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો.
પાલિકાના વહીવટી તંત્ર દ્વારા ઓધવભૂલાની ખડીને સેનીટાઈઝ કરવામાં આવી હતી અને વિસ્તારને લોખંડના પતરા મારી સીલ કરવામાં આવ્યો છે, ત્યારે રાણાવાસ વિસ્તારમાં રહેતા લોકોએ સ્વયંભૂવિસ્તારમાં પતરામારી બંધ કર્યો હતો. જ્યારે તત્કાલ આરોગ્ય વિભાગની 9 ટીમ દ્વારા આ વિસ્તારના ઘરે ઘરે ફરીને સર્વે કરાયો હતો.