- સી આર પાટીલની ટકોર બાદ પણ તંત્ર જૈસે થે
- રખડતી ગાયએ વૃદ્ધાને ટક્કર મારતા પગ ભાંગ્યો
- રખડતી ગાયોથી મુક્ત કરવાની મોટી જાહેરાતો પર પાણી ફર્યું
વડોદરા : ભાજપનાં પ્રદેશ પ્રમુખ આર. સી. પાટીલ (C R Paatil) સોમવારે વડોદરાનાં મેયરની (Vadodara municipal corporation) કામગીરીથી નારાજ થઇને ઠપકો આપીને ગયા અને રખડતી ગાયોને પકડવાનું કામ કરવા સલાહ આપી હતી. ત્યાંતો આજે મંગળવારે ફરી એક મહિલા ગાયના હુમલાનો ભોગ બની છે. દિવસે-દિવસે વડોદરા શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ વધતો જાય છે, ત્યારે બીજી બાજુ મેયર એવી વાતો કરી રહ્યા છે કે, સમગ્ર ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ ગાયો પકડવાનું કામ થયું છે. 15 દિવસમાં 600 થી વધુ ગાયો પકડી પાડવામાં આવી છે. જેમાં 500થી વધુ ગાયોને પાંજરાપોળમાં મોકલવામાં આવી છે.
ગાયોથી મુક્ત કરવાની મોટી જાહેરાતો
વડોદરા તંત્રની રખડતી ગાયોથી મુક્ત કરવાની મોટી જાહેરાતો વચ્ચે વધુ એક મહિલા ગાયના હુમલાનો ભોગ બની છે. શહેરનાં નવાયાર્ડ વિસ્તારની વૃદ્ધાને ગાયે શિંગડુ મારી ઈજા પહોંચાડી હતી. સોમવાર સાંજે મધુબેન સોલંકીને ગાયે શિગડુ માર્યું હતું, આથી તેમના પગનો ગુટકો તુટી ગયો હતો. જેને પગલે મધુબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પાટીલે મેયરની ઝાટકણી કાઢી
ઉલ્લેખનીય છે કે, સોમવારે સી આર પાટીલે વડોદરા મેયરને ટકોર કરી હતી કે મિટીગો બંધ કરી ઠોસ કામગીરી કરો. જો કે આ ટકોરનો વળતો જવાબ આપતા મેયર કેયુર રોકડીયાએ મોટું નિવેદન આપ્યું હતુ અને કહ્યું હતું કે સી આર પાટીલ સાહેબ પાસે કદાચ વડોદરા પાલિકાએ કરેલી કામગીરીના આંકડા નહિ હોય અને પાટીલ સાહેબની ટકોરને અમે પોઝિટિવ રૂપે લઈશું. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઢોરો વડોદરા પાલિકાએ પકડ્યા છે. શહેરમાં છેલ્લા 20 દિવસમાં 690 ઢોરો પકડ્યા, 4800 ઢોરોનું ટેગિંગ પણ કર્યું છે. 28 પશુપાલકો સામે પાલિકાએ FIR પણ કરી છે. આગામી સમયમાં 4 ના બદલે 9 ઢોર પકડનાર ટીમો કામ કરશે, SRPની ટુકડીની પણ મદદ લેવાશે. મેયર તરફથી ચોક્કસ પગલાં લેવાની વાત છતાં પણ રખડતા ઢોરનો ત્રાસ પ્રજા માટે માથાનો દુખાવો તો છે જ સાથે-સાથે સત્તાધીશો માટે પણ એક પડકાર છે, કારણ કે કોઇને કોઇ રીતે રખડતા ઢોર પ્રજાને ભારે પરેશાન કરી રહ્યા છે. હવે સમય જ બતાવશે કે મેયર પોતાના નિવેદન પર કેટલા ખરા ઉતરે છે.
આ પણ વાંચો: