- બુલેટ ટ્રેન પ્રોજકટમાં સંપાદન થતી મિલ્કત સામે વળતર આપવાની માંગ ઉઠી
- એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા રામધૂન બોલાવી
- જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું
વડોદરાઃ પુનઃવર્સન ના થાય ત્યાં સુધી બુલેટ ટ્રેન માટે જમીનનો કબજો નહીં આપવાની માગ સાથે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ વડોદરા પંડ્યાબ્રિજની આસપાસના રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રામધૂન બોલાવી આવેદનપત્ર આપ્યું હતું.
પુનઃવર્સન ના થાય ત્યાં સુધી જમીનનો કબ્જો નહીં આપીએ : અગ્રણી
બુલેટ ટ્રેનમાં સંપાદન થતી જમીન, દુકાનો અને મકાનોનું યોગ્ય વળતર આપવાની માગ સાથે આજે સ્થાનિક રહીશોએ એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો, સાથે જ સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. જિલ્લા કલેકટર કચેરી બહાર બેસી રામધૂન બોલાવી પુનઃ વર્સન માટેની યોગ્ય જાહેરાત કરવાની માગ કરી હતી.
માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
જો માગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેન યોજના પંડ્યા બ્રિજ વિસ્તારમાં આવેલી નાણાવટી ચાલી શંકરવાડી ફરામજીની ચાલીના રહીશો ને કોમ્પીટન્ટ ઓથોરિટી દ્વારા સોશિયલ મૂલ્યાંકન અને પર્યાવરણને થતી અસરોના રિપોર્ટ બાબતે રહીશોને માહિતગાર કરાયા છે. તેમજ કલમ 11 હેઠળ આ જમીનના માલિકોએ માલિકી બાબતે પુરાવા રજૂ કર્યા બાદ આ વિસ્તારનું મેજરમેન્ટ કર્યું હતું. ત્યારે ચાલીના રહીશોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વિસ્તારની બજાર કિંમત કેટલી ગણવાના છે તેની સ્પષ્ટ માહિતી અપાઈ નથી. રહીશોને વળતર સાથે રિહેબીલેશન અને રિસેટલમેન્ટ હેઠળ અન્ય કોઈ જગ્યાની ફાળવણી બાબતે કે, મકાનો બાંધી આપવા બાબતે સરકાર દ્વારા કોઈ ખાતરી આપવામાં આવી નથી જેથી રહીશો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી. જ્યાં સુધી પ્રજાજનોને અન્ય જગ્યા રીહેબીલીટેશન કે રિસેટલમેન્ટની પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનનો કબજો નહીં આપીએ સ્થાનિકો દ્વારા તેવી માગ કરવામાં આવી હતી.