- ગ્રીનવુડ્સ બંગલોઝમાં ચાલતી દારૂની મહેફિલમાં લક્ષ્મીપુરા પોલીસ મહેમાન બની
- વૈભવી ગાડીઓ, મોબાઈલ સહિત 27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
- ટકીલા, વોડકા સહિતની મોંઘી વિદેશી દારૂની બોટલો મળી આવી
વડોદરા: શહેર નજીક ગોત્રી સેવાસી રોડ પર આવેલા ગ્રીનવુડ્સ બંગલોઝમાં મકાન નંબર 5માં રહેતો રાજ પંજાબીના બર્થ ડે નિમિત્તે પાર્ટી યોજી હતી. જેમાં કેટલાક ખાનદાની નબીરાઓ અને યુવતીઓ મોંઘીદાટ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો લઈ મહેફિલ માણી રહ્યાં હતા. તે દરમિયાન ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં ફરી રહેલી લક્ષ્મીપુરા પોલીસને આ અંગેની જાણ થતાં મહિલા પોલીસને સાથે રાખી ગ્રીનવુડ્સ બંગલોઝના બંગલા નંબર 5માં તપાસ અર્થે પહોંચ્યા હતા. જ્યાં પોલીસે દરવાજો ખોલતાની સાથે જ પાર્ટી કરી રહેલા યુવક- યુવતીઓ પોલીસને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસને ટેબલ પર વિદેશી શરાબની દારૂની બોટલો નજરે પડી હતી.
યુવતીઓએ પણ આલ્કોહોલનું સેવન કર્યા અંગેનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી : ACP બકુલ ચૌધરી
બંગલામાં તપાસ કરતા બાથરૂમમાંથી વોડકાની ખાલી બોટલ મળી આવી હતી. ગ્રીનવુડ્સ બંગલોઝમાં લક્ષ્મીપુરા પોલીસે પાડેલા દરોડામાં કુલ 23ની અટકાયત કરવામાં આવી હતી. જેમાં કેટલાક યુવકો નશામાં હોવાનું જણાતા પોલીસે તેઓ વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો હતો. મોંઘીદાટ ગાડીઓ મળીને રૂપિયા 27 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથધરી છે. સમગ્ર મામલે બી ડિવિઝનના ACP બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, 23 લોકો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. યુવક- યુવતીઓના બ્લડ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જો તેમાં યુવતીઓ પણ આલ્કોહોલનું સેવન કર્યા અંગેનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.
આ પણ વાંચો : આરોગ્ય વિભાગે વડોદરાની નામાંકિત મીઠાઈ અને ફરસાણની દુકાનો પર દરોડા પાડી નમૂના એકત્ર કર્યા