- વડોદરાની લેડી પાબ્લો એસ્કોબાર મેહઝબીન, લોકડાઉનમાં 40 કરોડનું ડ્રગ્સ વેચ્યું
- વૈભવી ગાડીઓમાં ડ્રગ્સની હેરાફેરી કરતી, પોલીસને વર્ષો સુધી ચકમો આપ્યો
- 2 વખત છૂટાછેડા થયા બાદ પોતાના ડ્રગ ડિલર પ્રેમી સાથે લિવ-ઈનમાં રહેતી હતી
ન્યૂઝ ડેસ્ક : મૂળ વડોદરાની અને મુંબઈ જઈને સ્થાયી થયેલી મેહઝબીને ખૂબ ટૂંકાગાળામાં એક ડ્રગ પેડલરથી લઈને પોતાની ગેંગ બનાવીને ખુદની સપ્લાય ચેઈન શરૂ કરી હતી. ખૂબ જ ઝીણવટભર્યા પ્લાનિંગ સાથે વર્ષો સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડ્રગ્સનો વેપાર કરતી મેહઝબીનની ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે શુક્રવારે મુંબઈથી ધરપકડ કરી છે.
સ્વરૂપવાન હોવાથી ડાન્સ બારમાં નોકરી મળી, ત્યાંથી જ શરૂ થઈ પેડલર તરીકેની યાત્રા
વર્ષ 2002માં થયેલા રમખાણો બાદ મેહઝબીન પોતાના પતિ સાથે વડોદરા છોડીને મુંબઈ ચાલી ગઈ હતી. જ્યાં પતિ સાથે છૂટાછેડા થયા હતા. પોતાની પાસે કોઈ કામ ન હોવાથી તે કામ શોધી રહી હતી. સ્વરૂપવાન હોવાના કારણે તેણીને ડાન્સ બારમાં નોકરી મળી ગઈ હતી. જ્યાં હાઈપ્રોફાઈલ લોકો અને ડ્રગ પેડલરો સાથે સંપર્કો થયા હતા. જ્યારબાદ આર્થિક તંગીના કારણે તેણીએ ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો - સુરતમાં 198 ગ્રામ MD ડ્રગ સાથે મહિલા ઝડપાઈ
કઈ રીતે બનાવી પોતાની ગેંગ
શરૂઆતમાં મેહઝબીન નાના એવા પેડલર્સ પાસેથી વિવિધ ડ્રગ્સ ખરીદીને ડાન્સ બાર તેમજ પબમાં આવતા હાઈપ્રોફાઈલ લોકોને વેચતી હતી. જ્યારબાદ તેની ઓળખ સલીમ ચૌધરી સાથે થઈ હતી. NCB તેમજ મુંબઈ પોલીસ સાથે ઘરોબો ધરાવતા સલીમ સાથે તે થોડા જ સમયમાં લિવ-ઈનમાં રહેવા લાગી હતી અને તેની સાથે મળીને ડ્રગ્સનો વેપલો ચલાવતી હતી. મેહઝબીનના ડ્રાઈવર ગુલામ હૈદરને તેણીની સમગ્ર હકીકત ખબર હોવાથી મેહઝબીને તેને પણ પોતાની સાથે ડ્રગ્સના વેપલામાં શામેલ કરી દીધો હતો.
દિલ્હીની એક પાર્ટીમાં કિન્નર સાથે મળીને નેટવર્ક વધાર્યુ
પોતાના લિવ-ઈન પાર્ટનર સલીમ સાથે મેહઝબીન દિલ્હીના મરકઝ ખાતે યોજાયેલી એક પાર્ટીમાં ગઈ હતી. જ્યાં ડ્રગ પેડલર અનવર લાલા સાથે તેણીની મુલાકાત થઈ હતી. અનવરે તેણીની મુલાકાત એક સ્થાનિક કિન્નર સાથે કરાવી હતી. આમ, મેહઝબીને એક પછી એક ડ્રગ પેડલર્સને પોતાની સાથે શામેલ કરીને મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પોતાનું નેટવર્ક સ્થાપી દીધું હતું.
આ પણ વાંચો - વડોદરામાં ડ્રગ્સ વેચનારી મહિલા ઝડપાઈ
ભલે ડ્રગ્સ લો, પણ ચાખીને લો
ટૂંકા ગાળામાં એક પેડલરથી લઈને પોતાની ગેંગ પ્રસ્થાપિત કરનારી મેહઝબીને દરેક ડ્રગ્સ વિશે તમામ જાણકારી મેળવી હતી. તે ડ્રગ્સ કઈ રીતે બને છે, તેનાથી લઈને તેના સ્વાદ સુધીની તમામ માહિતી ધરાવતી હતી. મેહઝબીન જ્યારે પણ કોઈ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ ખરીદવા જતી ત્યારે તે પહેલા પોતે ચાખતી હતી અને જો તે બરાબર હોય તો જ ખરીદતી હતી.
અફઘાનિસ્તાન સાથે હતો વાટકી વ્યવહાર
પોલીસ તપાસમાં મેહઝબીન આંતરરાષ્ટ્રીય સંપર્કો ધરાવતી હોવાનું પણ સામે આવ્યું છે. અફઘાનિસ્તાનના એક પેડલરને કોકેઈનની જરૂર હોવાથી અને તેણીને MDMA ડ્રગ્સની જરૂર હોવાથી બન્નેનો વેપલો એકબીજાને ડ્રગ્સ મોકલીને ચાલતો હતો. આ રીતે તેના નાણાકીય હિસાબો પણ સામે આવતા ન હતા અને ખૂબ ચતુરાઈથી ડ્રગ તસ્કરી પણ થઈ જતી હતી.
આ પણ વાંચો - ગુજરાતમાં ફેક્ટરી શરુ કરે તે પહેલા જ પોલીસ પહોંચી
બાંગ્લાદેશનું સિમકાર્ડ વાપરતી હતી, ખાડીના દેશોમાં પણ સંપર્કો
ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મેહઝબીન પાસેથી બાંગ્લાદેશનું સિમકાર્ડ પણ મળી આવ્યું છે. આ સિમકાર્ડ થકી તે આરબ દેશોના તેમજ અફઘાનિસ્તાનના વિવિધ લોકો સાથે સીધા સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. કૉલ ટ્રેસ ન થાય તે માટે મેહઝબીન ઈન્ટરનેટ કોલિંગનો સહારો લેતી હતી. આ સિમકાર્ડ થકી જ તે પોતાની ગેંગના સભ્યો, પેડલર્સ અને આંતરરાષ્ટ્રીય સંપર્કો સાથે વાત કરતી હતી.
વૈભવી ગાડીઓમાં કરતી હતી ડ્રગ્સની હેરાફેરી
મેહઝબીન જ્યારે પણ ડ્રગ્સની હેરાફેરી કરતી હતી, ત્યારે તે મર્સિડિઝ, જેગુઆર, ઓડી જેવી વૈભવી ગાડીઓ ભાડે રાખતી હતી અને વૈભવી હોટલ્સમાં રોકાતી હતી. આમ કરવા પાછળનું તેણીનું કારણ એ હતું કે, પોલીસને વૈભવી ગાડીઓ અને વૈભવી હોટલ્સ પર જરાય શંકા જતી ન હતી. આ જ કારણથી તે ઘણા વર્ષો સુધી પોલીસ અને અન્ય એજન્સીઓની નજરમાં આવી ન હતી.
આ પણ વાંચો - પાકિસ્તાથી ભારત લવાઈ રહેલું કરોડોનું ડ્ર્ગ્સ ઝડપાયું
મુંબઈથી પકડાઈ તે અગાઉ દુબઈ ભાગવાના ફિરાકમાં હતી
પોતાના લિવ-ઈન પાર્ટનર સલીમ ચૌધરીની 70 કરોડના ડ્રગ કેસમાં ધરપકડ થયા બાદ તે પોતાની 9 વર્ષીય બાળકી સાથે મુંબઈ સ્થિત ઘરેથી નાસી છૂટી હતી અને દિવ તેમજ દમણમાં રોકાઈ હતી. આ બન્ને સ્થળો પરથી તે જળમાર્ગે દુબઈ નાસી જવાની ફિરાકમાં હતી. આ વચ્ચે તે એક વખત મુંબઈ સ્થિત ઘરે આવતા ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગઈ હતી.
શું હતો 70 કરોડનો ડ્રગ કેસ ?
ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે જાન્યુઆરી 2021માં 70 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં હૈદરાબાદ ખાતેની એક ફેક્ટરીમાં આ ડ્રગ બનતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્યારબાદ તપાસ કરીને અત્યાર સુધી કુલ 33 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે મેહઝબીન અને તેની ગેંગ આ કેસમાં સૌથી તાજેતરમાં પકડાયેલા આરોપીઓ છે. પોલીસ હાલમાં તેમના સંપર્કો અને નેટવર્ક અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે.