- બે રોટલી માટે મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો
- રોટલી કેમ લાવ્યો તેમ કહી મિત્ર પર ચપ્પુના ઘા ઝીંકી મિત્ર ફરાર
- ગણતરીના કલાકોમાં જવાહરનગર પોલીસે ગોધરાથી હત્યારાને ઝડપી પાડ્યો
- ભોજનમાં રોટલી ખૂટતાં બાજુમાંથી ઉછીની લાવેલી રોટલીથી મિત્રે ગુસ્સામાં કર્યું કૃત્ય
વડોદરાઃ જિલ્લાના કરચીયા ગામના રાજસ્થાન કોલોની વિસ્તારમાં રહેતો ઓમપ્રકાશ થાનસિંગ લોંધી(મૂળ મધ્યપ્રદેશ) રિફાઇનરી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. ગત શનિવારના રોજ ઓમપ્રકાશ પોતાના રૂમ પર પહોંચ્યો, ત્યારે તેની સાથે રૂમમાં રહેતો સેતાનસિંગ, નરેન્દ્ર, દશરથ તેમ જ ધર્મેન્દ્ર જમવા બેઠા હતાં. જો કે, તે જમી લેતાં ઓમપ્રકાશ માટે બે જ રોટલીઓ બચી હતી. જેથી મિત્ર ઓમપ્રકાશને રોટલી ઓછી પડશે તેમ વિચારી સેતાનસિંગ બાજુના રૂમમાંથી બે રોટલીની વ્યવસ્થા કરી લાવ્યો હતો.
- આરોપીનો પીછો કરી પોલીસે ઝડપી લીધો
બીજા દિવસે રવિવાર હોવાથી તમામ સાથી મિત્રો પોતાના રૂમ પર હાજર હતા. તેવામાં સાંજના સમયે ધર્મેન્દ્રસિંગે સેતાનસિંગને કહ્યું કે, રૂમ નંબર 46 અને 47માં રહેતા લોકો પાસેથી રોટલી કેમ લાવ્યો હતો. હવે તેઓ રોટલીના બદલામાં 5 કિલો લોટ માગી રહ્યાં છે. જેથી બન્ને બાજુના રૂમમાં રહેતા લોકો પાસે પહોંચ્યાં હતા. જ્યાં બોલાચાલી થતાં પાડોશીઓએ તેમને છુટ્ટા પાડ્યાં હતાં. આ બાબતે ધર્મેન્દ્રસિંગ અને સેતાનસિંગ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. તેવામાં ધર્મેન્દ્રસિંગ ક્યાંથી ચપ્પુ લઇ આવ્યો અને સેતાનસિંગ પર હુમલો કરી દીધો હતો.ધર્મેન્દ્રસિંગે સેતાનસિંગ ઉપર ચપ્પુથી હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી. તેના અન્ય મિત્રો દ્વારા ઈજાગ્રસ્ત સેતાનસિંગને બાઈક ઉપર બેસાડી તાત્કાલિક સારવાર અર્થે બાજવા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાંના ડૉક્ટરે ઈજાઓ ગંભીર છે તેમ જણાવતાં ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની SSG હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
- આરોપી મિત્ર ધર્મેન્દ્રસિંગ લોંધીની ધરપકડ
નજીવી બાબતે મિત્ર સેતાનસિંગ ઉપર જીવલેણ હુમલો કરી આરોપી મિત્ર ધર્મેન્દ્રસિંગ લોંધી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ જવાહરનગર પોલીસ દ્વારા આરોપીનો પીછો કરતા આરોપીની ગણતરીના કલાકોમાં ગોધરા રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ કર્યા બાદ જવાહરનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.