વડોદરા : આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળનાર છે. જે માટે હાલ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે વડોદરા શહેર પોલીસ દ્વારા રથયાત્રાના તમામ રૂટ ઉપર પેટ્રોલિંગ તથા એરીયા ડોમિનેશન તેમજ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ત્રણ વાગ્યાથી રેલવે સ્ટેશન ખાતેથી રથયાત્રાના પૂર્ણાહુતિ પોઈન્ટ સુધી અંતિમ રિહર્સલ યોજવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2022 : વડોદરામાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ સઘન બનાવ્યું
પોલીસનો લોખંડી બંદોબસ્ત - દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો પર ફરશે. ભગવાન જ્યારે ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચરીયાએ નીકળશે ત્યારે તેઓની રથયાત્રાને સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેર પોલીસના 4 ડીસીપી, 4 એસીપી, 40 પીઆઇ,પીએસઆઇ કક્ષાના 100, એસઆરપીની 2 કંપની,સીઆઇએસએફની 1 કંપની તેમજ 1500 પોલીસકર્મી,ઘોડેસવાર સાથે વિવિધ એજન્સી ડ્રોન કેમેરા, બોડી કેમેરા સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ક્યાંથી નીકળશે રથયાત્રા -વડોદરા રેલવે સ્ટેશન ખાતે શહેરના પ્રથમ નાગરિક મેયર કેયૂર રોકડીયાના હસ્તે રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. ત્યાર બાદ સયાજીગંજ ,રાવપુરા ,ગાંધીનગર ગૃહ ,દાંડિયા બજાર ,માર્કેટ ચાર રસ્તા ,લાલ કોર્ટ, મદન ઝાપા રોડ થઈ બગીખાના બરોડા હાઇસ્કૂલ ખાતે રથયાત્રાનું સમાપન થશે. જ્યારે આજે શહેરના તમામ પોલીસ રૂટપર પોલીસ કમિશનર ડો.સમશેરસિંહની ઉપસ્થિતિમાં અંતિમ રિહર્સલ યોજાયું હતું.