- સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટરમાં આવકના બોગસ પ્રમાણપત્રો બનાવાયાં હોવાનો ઘટસ્ફોટ થયો
- 7 એજન્ટોએ 35 લોકોના બોગસ આવકના દાખલા બનાવ્યા
- એજન્ટો સામે ગુનો નોંધાતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ
વડોદરાઃ શહેરના આજવા રોડ પર આવેલા સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટરમાં જિલ્લા આરોગ્ય કચેરીના અધિકારીએ કરેલી તપાસમાં મા વાત્સલ્ય કાર્ડ બનાવવા માટે 7 એજન્ટોએ 35 લોકોના બોગસ આવકના દાખલા બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાંચમાં 7 એજન્ટો સામે ગુનો નોંધાતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આવકના બોગસ દાખલા અંગે પોલીસે તપાસ શરૂ કરતાં એજન્ટો દ્વારા લાભાર્થીઓ પાસેથી 2 હજારથી 2500 રૂપિયા લઈ આવકના નકલી દાખલા તૈયાર કરીને અસલી મા કાર્ડ બનાવી આપવામાં આવતું હતું. આ અંગે લાભાર્થીઓનાં નિવેદન પણ લેવાયાં હતાં, જેમાં તેઓએ એજન્ટોને આવકના કોઈ પ્રમાણપત્રો ન આપ્યા હોવાનું જણાવ્યું હતું.
મામલતદારની કચેરીમાં 35 લાભાર્થીના નામના આવકના દાખલા ઇસ્યુ કરાયા ન હોવાનું જણાયુ
જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચિરાગ દિલીપ પટેલે આજવા રોડની સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટરમાં તપાસ કરતા ત્યાં ઓમ ઇમેજનરિંગ પ્રા.લિ. નામની એજન્સીને કામ સોંપાયું હતું. તેમણે હેલ્થ સેન્ટરમાં જઇ દસ્તાવેજોની ચકાસણી કરતાં કેટલાક આવકના દાખલા શંકાસ્પદ જણાયા હતા. આવકના દાખલાના ફોર્મેટમાં ટાઈપ કરેલા શબ્દો અને લાભાર્થીના ફોટા શંકાસ્પદ જણાયા હતા. જેથી મામલતદારની કચેરીમાં આવકના દાખલાની ખરાઈ કરાતાં મામલતદાર વડોદરા શહેર પૂર્વ તરફથી 35 લાભાર્થીના નામના આવકના દાખલા ઇસ્યુ કરાયા ન હોવાનું જણાયુ હતું.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ
આવકના દાખલા ખોટા હોવાનું જણાતાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર તિલાવતે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.એસ.ચૌહાણે આ મામલે તપાસ કરતાં લાભાર્થીઓ અને આરોગ્ય શાખાના કર્મચારી મળી 35 લોકોનાં નિવેદન લેવાયાં હતા. જેમાં આ 35 લાભાર્થીઓએ 7 એજન્ટો મારફતે મા કાર્ડ કઢાવવાની કાર્યવાહી કરી હોવાનું અને પોતે કોઇ આવકના દાખલા એજન્ટોને ના આપ્યા હોવાનું જણાવ્યું હતું. આ 7 એજન્ટોમાં મનિષ તથા પટેલ નામના શખ્સ ઉપરાંત મનોજ સોની, નરેશ, જીતુ, પ્રવીણ અને સતીશ નામના એજન્ટનો સમાવેશ થાય છે. આ એજન્ટોએ લાભાર્થીઓ પાસેથી પૈસા લઇ બોગસ આવકના દાખલા બનાવ્યા હોવાનું જાણવા મળતા તેમની સામે ક્રાઈમ બ્રાંચમાં જિલ્લા આરોગ્ય કચેરીના અધિકારી ચિરાગ પટેલે ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.સોલંકીએ આ મામલાની તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલા અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.