- વડોદરામાં ફાયરના જવાનોએ કર્યો વિરોધ
- 13 વર્ષથી પગાર વધારો નથી થયોઃ ફાયરના જવાનો
- ફાયરના જવાનોની રજૂઆતને આશ્વાસન મળતા કાળી પટ્ટી કાઢી હતી
વડોદરાઃ મહાનગરપાલિકામાં કામ કરતા ફાયર બ્રિગેડના જવાનો છેલ્લા ઘણા સમયથી પોતાના પગાર વધારાને ધ્યાનમાં રાખી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે તેમણે કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો. જોકે, સમિતિમાં ઉચ્ચ પગારની દરખાસ્ત મુકવામાં આવતા અને તેને આશ્વાસન મળતા ફાયરના જવાનોએ કાળી પટ્ટી કાઢી નાખી હતી.
આ પણ વાંચો- વડોદરા સાયજીપુરા મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા મકાન બાબતે વિરોધ પ્રદર્શન

ફાયરના જવાનોની ઉચ્ચ પગારની માગણી લઈ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
વડોદરા મહાનગરપાલિકા ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા ફાયર મેન્સ ઉચ્ચ પગારના લાભથી વંચિત છે તેવું તેમનું કહેવું છે. કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે તેમણે કોરોના કાળમાં પણ ફરજ બજાવી છે. ત્યારે 13 વર્ષ પૂર્ણ થયા છતાં ઉચ્ચ પગારનો લાભ ન મળતા તેઓ બે દિવસ પેહલા વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે અરજી ઈનવર્ડ કરાવી હતી.
ફાયરના જવાનોએ મેયરને રજૂઆત કરી
ફાયર બ્રિગેડના જવાનોએ કહ્યું હતું કે, 2 દિવસમાં અમારી માગ ન સંતોષાય તો બુધવારથી તંત્ર સામે કાળી પટ્ટી પહેરી ફરજ પર હાજર રહી વિરોધ કરવામાં આવશે. 2008 અને 2012 એમ કુલ મળી 56 જેટલા ફાયર મેનો ફરજ પર 13 વર્ષ થઈ ગયા હોવા છતાં 9, 18 અને 27ના લાભોથી વંચિત રહ્યા છે અને આજે સવારે કાળી પટ્ટી પહેરીને વિરોધ પણ કર્યો હતો. જોકે, બપોર બાદ ફાયરના જવાનો ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટને સાથે રાખીને વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ મેયર કેયૂર રોકડિયાને રજૂઆત કરવા ગયા હતા.
3થી 4 દિવસમાં માગ સંતોષાય તેવી મેયરે ખાતરી આપી
ફાયરમેન અમિત રાવે જણાવ્યું હતું કે, મેયર કેયૂર રોકડિયાએ અમને આશ્વાસન આપ્યું હતું કે, તમારા ઉચ્ચ પગારની માગ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિની દરખાસ્ત મૂકવામાં આવી છે, જેથી 3 કે 4 દિવસમાં તમારી માગણી સતોષાઈ જશે ત્યારબાદ ફાયરમેનનોએ કાળી પટ્ટી બપોર બાદ કાઢી નાખી હતી.